હવે અયોધ્યાના રામલલ્લાના પ્રસાદના નમૂના તપાસ માટે મોકલાયા

અયોધ્યાઃ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં મિલાવટને લઈને દેશમાં વિવાદ થઈ રહ્યો છે, ત્યારે દેશનાં તમામ મોટા મંદિરો છાસ પણ ફૂંકી-ફૂંકીને પી રહ્યા છે. તિરુપતિ પ્રસાદમાં માંસના મિલાવટનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકો દેશનાં તમમ મંદિરોના પ્રસાદની તપાસની માગ થઈ રહી છે.

અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી રહેલા ઇલાયચીના દાણાના નમૂના તપાસ માટે ઝાંસીની એક સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અયોધ્યા સ્થિત રામ મદિરમાં ભગવાન શ્રીરામને ઇલાયચી દાણાનો પ્રસાદ ધરાવાય છે અને એ પછી એને ભક્તોને વહેંચવામાં આવે છે.

મદદનીશ ફૂડ કમિશનરે માહિતી આપતાં જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવતો ઇલાયચી દાણાના નમૂનાનો પ્રસાદ ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટી વિભાગ દ્વારા જમા કરાવવામાં આવ્યો છે. એને ટેસ્ટિંગ માટે ઝાંસી મોકલવામાં આવ્યો હતો.

રામ મંદિર ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સરેરાશ પ્રતિ દિન પ્રસાદ તરીકે ઇલાયચીના દાણાના 80,000 પેકેટ વિતરિત કરવામાં આવે છે. મદદનીશ ખાદ્ય કમિશનર માનિક ચંદ સિંહે કહ્યું હતું કે IGRSના માધ્યમથી નોંદાયેલી ફરિયાદ પછી હૈદરગંજમાંથી નમૂના ખરીદવામાં આવ્યા હતા, જ્યાં ઇલાયચીના દાણાનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ નમૂનાના વ્યાપક પરીક્ષણ અને મૂલ્યાંકન માટે ઝાંસી રાજ્યની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમણે મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે.