મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલની વચ્ચે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર વિધાનસભ્યોની સામે નોટિસ જારી કરી છે. ડેપ્યુટી સ્પીકરે આ વિધાનસભ્યોને આગામી બે દિવસમાં જવાબ આપવા કહ્યું છે. ઉદ્ધવ ઠાકરે જૂથે આ 16 બળવાખોર વિધાનસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માગને લઈને ડેપ્યુટી સ્પીકરને એક અરજી કરી હતી. આ અરજી પર કાર્યવાહી કરતાં ડેપ્યુટી સ્પીકરે આ વિધાનસભ્યોની સામે નોટિસ જારી કરી છે. શિવસેના જે બળવાખોર વિધાનસભ્યોનું સભ્યપદ રદ કરવાની માગ કરી છે, એમાં એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે.
બીજી બાજુ એકનાથ શિંદેની વધતી તાકાતની વચ્ચે CM ઉદ્ધવ ઠાકરેની પાસે બહુ સીમિત વિકલ્પ બચ્યા છે. 12 પછી શિવસેનાના હવે ચાર વિધાનસભ્યોની સામે અયોગ્યતાનો ડ્રાફ્ટ તૈયાર છે. ડેપ્યુટી સ્પીકરના વિધાન ભવન પહોંચવા પર આ આવેદન પત્ર તેમને આપવામાં આવ્યું હતું.
બીજી બાજુ, મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલા ઘમસાણની વચ્ચે રાજ્ય અને મુંબઈમાં ભાજપમાં ગરમાટો આવી ગયો છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ ગઈ કાલે દિલ્હી ગયા હતા અને માત્ર 10 કલાકમાં મુંબઈ પરત ફર્યા છે. ત્યાં તેમણે કોની સાથે મુલાકાત કરી એનો ખુલાસો નથી થઈ શક્યો, પણ તેમના મુંબઈ પરત ફરવાની સાથે ભાજપમાં હલચલ વધી ગઈ છે. ભાજપની કોર કમિટીની બેઠક થવાની છે. એવી શક્યતા છે આજે કંઈક મોટો નિર્ણય સામે આવી શકે છે. એકનાથ શિંદે દ્વારા શિવસેનાની સામે કરવામાં આવેલા બળવાના પાંચમા દિવસે હવે નિર્ણાયક ઘટનાક્રમ થવાની સંભાવના છે.