લખનૌઃ દિગ્ગજ અભિનેત્રી અને ભાજપનાં નેતા જયાપ્રદાની સામે રામપુરની એક કોર્ટે 2019ની આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન મામલે બિનજમાનતી વોરન્ટ જારી કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 20 એપ્રિલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન જયાપ્રદા ગેરહાજર રહેતાં કોર્ટે વોરન્ટ જારી કર્યું છે. લોકસભા ચૂંટણીમાં રામપુર સંસદીય બેઠકથી ભાજપનાં ઉમેદવાર જયાપ્રદા હતાં. એ દરમ્યાન તેમના પર આદર્શ આચારસંહિતાનો કેસ નોંધવામાં આવ્યો હતો.પાછલા વર્ષે લોકસભા ચૂંટણી દરમ્યાન સભાઓમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. જોકે આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે એકબીજા પર શાબ્દિક હુમલા કેટલીય વાર થઈ ચૂક્યા છે. લોકસભા ચૂંટણી દરમ્યાન આઝમ ખાને જયા પ્રદાની તીખી આલોચના કરી હતી. તેમણે તેમની તરફ આપત્તિજનક ઇશારો કરતાં કહ્યું હતું કે અશ્લીલતાને સન્માન આપવવાળો સમાજ ક્યારેય આગળ નથી વધી શક્તો.
લોકસભા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર જયાપ્રદાને હરાવનાર આઝમ ખાને ચૂંટણી દરમ્યાન હરીફ માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. એને કારણે ચૂંટણી પંચે તેમને ચૂંટણીપ્રચાર કરવા માટે 72 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો.