નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં તમામ વિરોધી પક્ષો ભાજપને ઘેરવાની વ્યૂહરચના બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. વિખરાયેલો વિપક્ષ શું લોકસભા ચૂંટણી પહેલાં એકજૂટ થઈ શકશે- એક એક મોટો સવાલ છે. તમામ મતભેદોની વચ્ચે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. જ્યારે આ નેતાઓને પૂછવામાં આવ્યું કે વિપક્ષનો PM ચહેરો કોણ હશે? અથવા વિપક્ષનું નેતૃત્વ કોણ કરશે? તો આ મુદ્દે રાહુલ, ખડગે અને નીતીશકુમારે ચુપકીદી સાધી લીધી હતી.
ખડગેના ઘરે થયેલી બેઠકમાં ખડગે, નીતીશ અને રાહુલ ગાંધી સિવાય બિહારના ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ, જનતા દળ (JDU)ના અધ્યક્ષ રાજીવ રંજન સિંહ, બિહારના સરકારના મંત્રી સંજય ઝા, RJDના સાંસદ મનોજ ઝા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ અને બિહાર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર હતા.આ બેઠક પછી મિડિયાથી વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એ વિપક્ષને એકજૂટ કરવાની દિશામાં પગલું છે. તેમણે કહ્યું હતું કે જે પણ અમારી સાથ આવશે, એને સાથે લઈને ચાલીશું. વિપક્ષને એક કરવામાં એક બહુ મોટું ઐતિહાસિક પગલું લીધું છે. વિપક્ષ જો દેશ માટે વિઝનને ડેવલપ કરશે. વિરોધ પક્ષોની સાથે વિચારધારાની લડાઈ લડીશું. દેશ પર આક્રમણની સામે એકજૂટ થઈને ઊભા થઈશું.
ખડગેએ કહ્યું હતું કે આ મિટિંગમાં બહુ ચર્ચા થઈ. અમે બધા મળીને નક્કી કરીશું કે બધી પાર્ટીઓને એકજૂટ કરીશું અને એકસાથે ચૂંટણી લડીશું.નીતીશકુમારે કહ્યું હતું કે અમે વધુમાં વધુ પાર્ટીઓને દેશમાં એકજૂટ કરવાનો પ્રયાસ કરીશું. સૂત્રોનું કહેવું છે કે નીતીશકુમાર કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિરોધ પક્ષોને જોડવાના કામ કરવાના ઇચ્છુક છે.