કર્ણાટક ચૂંટણીઃ અમૂલ પછી હવે ‘મરચાં’ પર મહાભારત

બેંગલુરુઃ કર્ણાટકમાં પ્રત્યેક દિવસે રાજકારણમાં એક નવા અને મજેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. અમૂલ પછી હવે કર્ણાટકમાં ગુજરાતનાં મરચાં ‘પુષ્પા‘ પર નવું રાજકારણ ગરમાયું છે. એશિયાની સૌથી મોટી મરચાંની મંડીમાં એક બાયગાડીમાં સ્થાનિક વિરુદ્ધ બહારનાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોને લાગી રહ્યું છે કે ગુજરાતનાં મરચાં ‘પુષ્પા’ને કારણે તેમનાં સ્થાનિક મરચાંની માગ નથી વધી રહી. એની સીધી પ્રતિકૂળ અસર તેમના વેપાર પડશે. આવામાં સ્થાનિક મરચાંને પ્રોત્સાહન મળવું જોઈએ. જે રીતે અમૂલનો બેંગલુરુ પ્રવેશની જાહેરાત પછી રાજ્યમાં રાજકીય વિવાદ વધ્યો છે. એને જોતાં 10 મેએ મતદાન પહેલાં એવી સંભાવના છે કે ચૂંટણીમાં ‘લાલ મરચાં’ મોટો મુદ્દો બની શકે છે.

શું છે મામલો?

એક અહેવાલ મુજબ કર્ણાટકમાં બાયગાડી મંડીમાં ગુજરાતનાં લાલ મરચાં ‘પુષ્પા’ને ટ્રેડર્સે મોટા પાયે મગાવ્યાં છે. ‘પુષ્પા’ને પણ ‘લાલી’ કહેવામાં આવે છે. હાલના મહિનાઓમાં આશરે 20,000 ક્વિન્ટલ લાલ મરચાંને મગાવ્યાં છે. હવે એને કારણે અનેક સ્થાનિક વેપારીઓને એ વાતનો ડર છે કે સ્થાનિક લાલ મરચાં ડાબી અને કડ્ડીની માગમાં નોંધપાત્ર ઘટાડો થશે. આવામાં સ્થાનિક સ્તરે એ માગ ઊભી થઈ છે કે સરકારે એમાં દખલ કરવી જોઈએ અને સ્થાનિક વેપારીઓની સુરક્ષા કરવી જોઈએ.

બીજી બાજુ, હવામાનમાં પલટો આવતાં સ્થાનિક મરચાંના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે અને એની સ્થાનિક મરચાંની કિંમતો પર દેખાઈ રહી છે. એને કારણે સપ્લાયમાં 60 ટકા ઘટાડો થયો છે.