PM બનવા માટે લાલુ, રાહુલ ગાંધીની આગળપાછળ ફરતા નીતીશકુમારઃ શાહ

લખીસરાયઃ ગૃહપ્રધાન અમિત શાહ હાલમાં બિહારના પ્રવાસે છે. તેમણે અહીં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે નીતીશકુમારની તીખી આલોચના કરી હતી. શાહે નીતીશકુમારને પલટુ બાબુ કહીને ટોણો માર્યો હતો. તેમણે આ જનસભા મોદી સરકારના નવ વર્ષ પૂરાં થવા પર સરકારની ઉપલબ્ધિ જણાવવા કરી હતી. તેમણે કહ્યું હતું કે પલટુ બાબુ નીતીશકુમાર પૂછી રહ્યા હતા કે નવ વર્ષમાં શું કર્યું?

નીતીશબાબુ, વડા પ્રધાન મોદી આ નવ વર્ષમાં અનેક કામો કર્યાં છે. મોદીના નવ વર્ષ ગરીબ કલ્યાણ, ભારત ગૌરવ અને ભારતની સુરક્ષાનાં નવ વર્ષ છે. તેમણે કહ્યું હતું કે 86 લાખ બિહારના ખેડૂતોએ લાભ લીધો છે. 33 કરોડ જનતાના ઘરમાં નલ સે જળ પહોંચાડવામાં આવ્યું છે. કરોડો લોકોએ આયુષ્માન યોજનાનો લાભ લીધો છે. 1.30 કરોડ લોકોને શૌચાલય આપવામાં આવ્યાં છે. 37 લાખ લોકોને ઘર આપવામાં આવ્યાં છે. નીતીશબાબુ હિસાબ પૂછી રહ્યા છે, તેઓ આંકડાઓ જોઈ લે.

તેમણે કહ્યું હતું કે 23 જૂને પટનામાં આશરે 21 વિરોધ પત્રો એકત્ર થયા હતા. આ બેઠક ભાજપને 2024માં સત્તા પર આવવાથી રોકવા માટે હતી. આ બેઠક પર ટોણો મારતાં તેમણે કહ્યું હતું કે PM બનવા માટે નીતીશ કુમાર કોંગ્રેસના દરવાજે બેઠા છે. જે નેતા વારંવાર ઘર બદલે છે, એના પર વિશ્વાસ કેવી રીતે કરી શકાય? આવી વ્યક્તિના હાથમાં બિહાર સોંપી શકાય? એવો સવાલ તેમણે કર્યો હતો.