પોતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં હોવાની અફવાને ‘નિર્ભયા’નાં માતાનો રદિયો

નવી દિલ્હી – 2012ની સાલમાં નવી દિલ્હીમાં ગેંગરેપનો ભોગ બનેલી અને તેને કારણે મૃત્યુ પામેલી ‘નિર્ભયા’નાં માતા આશા દેવીએ એવી અફવાઓનું ખંડન કર્યું છે કે પોતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

અમુક દિવસોથી એવી અફવા ઉડી હતી કે આશા દેવી આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

આશા દેવીએ કહ્યું છે કે રાજકારણમાં જોડાવાનો એમને કોઈ રસ નથી. ‘મને એવી વાતોમાં કોઈ રસ નથી. હું મારી દીકરી માટે અને દેશની દીકરીઓ માટે ન્યાય મેળવવા લડી રહી છું. ચારેય અપરાધીને ફાંસી અપાય એવું હું ઈચ્છું છું.’

રાજકારણમાં જોડાવા માટે કોઈ પણ પાર્ટીએ પોતાનો સંપર્ક કર્યો નથી એવી સ્પષ્ટતા પણ આશા દેવીએ કરી છે. ‘મેરા પોલિટીક્સ સે દૂર દૂર તક કોઈ નાતા નહીં હૈ.’

અગાઉ એવા અહેવાલો હતા કે ક્રિકેટરમાંથી નેતા બનેલા કીર્તિ આઝાદે એક ટ્વીટ કર્યું હતું જેમાં એવો દાવો કરાયો હતો કે આશા દેવી કદાચ કોંગ્રેસની ટિકિટ પરથી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી વિધાનસભા ચૂંટણી લડશે.

નિર્ભયાનાં પિતા બદ્રીનાથે પણ કહ્યું છે કે આ સમાચાર ખોટા છે અને અમારા પરિવારને રાજકારણમાં જોડાવામાં કોઈ રસ નથી.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતી 8 ફેબ્રુઆરીએ યોજાવાની છે. મતગણતરી અને પરિણામ માટે 11 ફેબ્રુઆરીનો દિવસ નક્કી કરાયો છે.