વોટ્સએપ યૂઝર્સને રાહત: એપ પર જાહેરખબરનો પ્લાન પડતો મૂકાયો

નવી દિલ્હી: સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પોતાની માલિકીની કંપની વોટ્સએપ પર થોડા સમય પહેલા જાહેરાત લાવવાની તૈયારી કરી રહી હતી. આ બિઝનેસ મોડલ અને પ્રાઈવેસી પોલિસીને પગલે વોટ્સએપના ફાઉન્ડરે કંપની છોડી દીધી હતી. જોકે હવે એક એવા સમાચાર મળી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ પર જાહેરાત લાવવાનો પ્લાન હાલ પૂરતો પડતો મૂકવામાં આવ્યો છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર, જે ટીમ વોટ્સએપ પર જાહેરખબર માટે કામ કરી રહી તેના પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી કે, વોટ્સએપ ભવિષ્યમાં જાહેરાત નહીં દેખાડે. કંપની ભવિષ્યમાં આ મોડલ પર કામ કરી શકે છે.

વોટ્સએપમાંથી કંપનીને કોઈખાસ આવક નથી

અત્યારે વોટ્સએપ જે મોડલ પર કામ કરે છે તેનાથી કંપીનીને કોઈ સીધી આવક નથી થતી. જેને પગલે જાહેરાત મોડલ લાવવામાં આવી રહ્યું હતું. જે રીતે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત દેખાડવામાં આવી રહી છે, એ જ રીતે સ્ટેટસ ફિચર મારફતે ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ પર જાહેરાત આપવાની તૈયારી ચાલી રહી હતી. આ વાતની સ્પષ્ટતા કંપનીએ 2019માં એક માર્કેટિંગ સમિટમાં કરી હતી.

તો આ વર્ષના અંત સુધીમાં ફેસબુક,વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ત્રણેય પ્લેટફોર્મને એક સાથે ઈન્ટિગ્રેટ કરી દેવામાં આવશે. આ વાતની જાણકારી કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે આપી હતી. આવું થયા પછી યૂઝર્સ આ ત્રણેય પ્લેટફોર્મ પર મેસેજ કરી શકશે.