શાહીનબાગના પ્રદર્શનકારીઓને રસ્તો ખાલી કરવા પોલીસની અપીલ

નવી દિલ્હી: નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનને પગલે સારિતા વિહાર અને કાલિંદી કુંજનો રસ્તો એક મહિનાથી બંધ છે. દિલ્હી પોલીસ તરફથી એક વખત ફરી પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે, અમને સહયોગ કરે અને લોકોના હિતમાં રસ્તો ખાલી કરી દે.

આ અગાઉ કરેલા એક અન્ય ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, અમે શાહીન બાગમાં રોડ 13એ પર પ્રદર્શન કરી રહેલા લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ હાઈવે બ્લોક થવાને કારણે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ, વરિષ્ઠ નાગરિકો, દર્દીઓ અને સ્કુલે જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીને સમજે. આ મામલો હાઈકોર્ટમાં ગયો છે. મહત્વનું છે કે, શાહીન બાગ વિસ્તામાં વાહનવ્યવહાર શરુ કરવાની માંગને લઈને કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે, કાયદો વ્યવસ્થા અને જનહિતને ધ્યાનમાં રાખીને પોલીસ કાર્યવાહી કરે. સાથે હાઈકોર્ટે કહ્યું કે પોલીસ કાયદામાં રહીને રોડ ગમે ત્યારે ખાલી કરાવી શકે છે.

મહત્વનું છે કે, શાહીન બાગ વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને પગલે દિલ્હામાં સરિતા વિહારથી કાલિંદી કુંજ વચ્ચે વાહનવ્યવહાર ઘણા દિવસોથી ઠપ છે, જેના કારણે આ વિસ્તારની આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોએ રસ્તો ખોલવવા માટે પ્રદર્શન પણ કર્યું છે. સરિતા વિહારથી કાલિંદી કુંજ વચ્ચે માર્ગ 13એ પર યાતાયાત બંધ થવાને પગલે નોઈડાથી દિલ્હી તરફ આવતા લોકોને મથુરા રોડ, આશ્રમ અને ડીએનડી માર્ગ તેમજ બદરપુરથી આવતા લોકોને આશ્રમ ચોક વાળા માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.