જમ્મુ કશ્મીર: 10 જિલ્લાઓમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા શરુ

નવી દિલ્હી: જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરાયા બાદ રાજ્યમાં લાગુ કરેલા પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રશાસને હવે પ્રીપેઈડ સિમ કાર્ડ પર વોઈસ અને એસએમએસ સેવા પુનસ્થાપિત કરી દિધી છે. સાથે જ પોસ્ટપેઈડ પર ઈન્ટરનેટ સેવા પણ શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મંત્રી જમ્મુ-કશ્મીરમાં વિકાસ સંબંધી કામોને લઈને જાગૃતિ ફેલાવવા માટે રાજ્યની મુલાકાત લેશે.

જમ્મુ-કશ્મીરના મુખ્ય સચિવ રોહિત કન્સલે જણાવ્યું કે, જીણવટભરી સમીક્ષા પછી પ્રશાસને આદેશ આપ્યો છે કે જમ્મુ-કશ્મીરમાં તમામ સ્થાનિક પ્રીપેઈડ સિમ કાર્ડ્સ પર વોઈસ અને એસએમએસ સેવા ફરી શરુ કરી દેવામાં આવે. આ સાથે જ જમ્મુના તમામ 10 જિલ્લાઓમાં પોસ્ટપેઈડ પર ઈન્ટરનેટ સેવા પણ શરુ કરી દેવામાં આવી છે. જોકે, હજુ પણ બડગામ, ગંડરબલ, બારામુલ્લા, શ્રીનગર, કુલગામ, અનંતનાગ, શોપિયા અને પુલવામા માં ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.

આ સાથે જ શનિવારથી ગુરુવારની વચ્ચે 36 કેન્દ્રીય મંત્રી જમ્મુ-કશ્મીરની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જાણકારી આપી હતી કે, આ મુલાકાતનો ઉદેશ્ય આર્ટિકલ 370 દૂર કરાયા પછી લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવાનો છે. રેડ્ડીએ જણાવ્યું કે, હું કશ્મીરની સ્કુલો, કોલેજો અને હોસ્પિટલોમાં જઈશ. અમે આ લોકોને પ્રશાસને છેલ્લા 5 મહિના જે વિકાસકાર્યો કર્યા છે અંગે જાણકારી આપીશું.