ટ્રેનપ્રવાસીઓને ચેતવણી; વધુપડતો સામાન લઈ જશો તો 6-ગણી પેનલ્ટી ભરવી પડશે

0
817

નવી દિલ્હી – ટ્રેનોમાં વધારે પડતો સામાન લઈને પ્રવાસ કરનારાઓ સામે રેલવે વહીવટીતંત્ર કડક બનવાનું છે. તેથી વિમાન પ્રવાસની જેમ હવે ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પણ વધુ પડતો સામાન લઈ જવા સામે સંભાળજો.

ટ્રેનોમાં મર્યાદા કરતાં વધારે સામાન લઈ જનારે હેવી પેનલ્ટી ચૂકવવી પડશે.

એક સિનિયર રેલવે અધિકારીના જણાવ્યા મુજબ, લોકો ટ્રેનના કોચમાં વધારે પડતો સામાન લઈ જતા હોવાની વારંવાર ફરિયાદો મળે છે. એટલે રેલવે તંત્રએ સામાનને લગતા દાયકાઓ જૂના નિયમને સખ્તાઈપૂર્વક લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

નવા નિયમ અંતર્ગત જે લોકો વધુ પડતો સામાન લઈ જશે એમણે નિર્ધારિત રકમ કરતાં છ ગણી વધારે રકમની પેનલ્ટી ચૂકવવી પડશે.

સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં તમે એક્સ્ટ્રા પૈસા ચૂકવ્યા વિના અનુક્રમે 40 કિલો અને 35 કિલો સુધીનો સામાન લઈ જઈ શકો છો. પણ જો એનાથી વધારે લઈ જવો હોય તો તમે પાર્સલ કાર્યાલયમાં અતિરિક્ત પેમેન્ટ કરીને 80 કિલો અને 70 કિલો સુધી સામાન લઈ જઈ શકશો.

ધારો કે કોઈ યાત્રી મર્યાદાથી વધારે પ્રમાણમાં સામાન બુક કરાવ્યા વગર લઈ જતા પકડાશે તો એણે સામાન પર નક્કી કરાયેલી રકમ કરતાં છ ગણી વધારે રકમ પેનલ્ટી તરીકે ચૂકવવી પડશે.

ડબ્બાઓની અંદર લોકોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિર્ણય લીધો છે.