સોશિયલ મિડિયા ન છોડવાની પીએમ મોદીને નેટયુઝર્સની વિનંતી

નવી દિલ્હી : ટ્વિટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ સહિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પરથી સંન્યાસ લેવા પોતે વિચારતા હોવાનું જણાવતી એક પોસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એમના ટ્વિટર એકાઉન્ટ પર મૂકતાં જ ખળભળાટ મચી ગયો છે.

એમને આવું પગલું ન ભરવાની અનેક ઈન્ટરનેટ યુઝર્સે વિનંતી કરી છે. મોદીએ ગઈ કાલે રાતે આ જાહેરાત કરી એની અમુક જ મિનિટોમાં ‘NoSir’ અપીલ કરતું હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલની પોસ્ટમાં લખ્યું છે કે પોતે આવતા રવિવારથી સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ બંધ કરી દેવા વિચારે છે.

મોદીએ લખ્યું છે કે, ‘હું વિચારું છું કે આ રવિવારથી ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પરના મારા સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ બંધ કરી દઉં. પરંતુ બધું પોસ્ટ કરીને તમારી સાથે સંપર્કમાં રહીશ.’

અનેક નેટિઝન્સે મોદીને સોશિયલ મિડિયા ન છોડવાની વિનંતી કરી છે.

એક યુઝરે ટ્વીટ કર્યું છે કે, ‘દુનિયાભરના લોકો તમને ખૂબ પ્રેમ કરે છે. તમે ઈચ્છો તો સોશિયલ મિડિયા પરથી થોડોક સમય માટે બ્રેક લઈ શકો છો, પણ #NoSir અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારે સોશિયલ મિડિયા છોડવું ન જ જોઈએ.’

એક અન્ય યુઝરે લખ્યું છે કે, હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું. જો મોદીજી સોશિયલ મિડિયા છોડી દેશે તો હું પણ છોડી દઈશ.

એક અન્ય યુઝરે લખ્યું છે, ‘ના સાહેબ… અમે જાણીએ છીએ કે સોશિયલ મિડિયાના દુરુપયોગથી આપ અપસેટ થયા છો, પરંતુ અમને તમારી જરૂર છે.’

ઘણા નેટિઝન્સે પીએમ મોદીના ટ્વીટ પ્રત્યે આઘાત વ્યક્ત કર્યો છે.

એક યુઝરે લખ્યું છે કે, ‘તમે અમને રાષ્ટ્રભક્તોને સોશિયલ મિડિયા પર સક્રિય રહેવાની પ્રેરણા આપી છે… અને હવે તમે કહો છો કે તમે સોશિયલ મિડિયાને છોડી દેશો. તમારું ટ્વીટ વાંચીને મને આઘાત લાગ્યો છે. તમારા વિના સોશિયલ મિડિયા કશું જ નથી.’

સોશિયલ મિડિયા પર વડા પ્રધાન મોદી સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાંના એક છે. ટ્વિટર પર એમના 5 કરોડ 33 લાખ ફોલોઅર્સ છે. ફેસબુક પર 4 કરોડ 40 લાખ ફોલોઅર્સ છે તો ઈન્સ્ટાગ્રામ પર 3 કરોડ 52 લાક છે.

વડા પ્રધાન કાર્યાલય (પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ PMO)ના પણ ટ્વિટર હેન્ડલના પણ 3 કરોડ 20 લાખ ફોલોઅર્સ છે.

2019ના સપ્ટેંબરમાં, વડા પ્રધાન મોદી માઈક્રોબ્લોગિંગ સાઈટ પર સૌથી વધુ લોકપ્રિય નેતાઓમાં ત્રીજા નંબર પર હતા. પહેલા નંબર પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજા નંબર પર એમના પુરોગામી બરાક ઓબામા હતા.

ટ્વિટર પર પાંચ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર વડા પ્રધાન મોદી પહેલા જ ભારતીય હતા.

તો હું પણ સોશિયલ મિડિયા છોડી દઈશઃ અમૃતા દેવેન્દ્ર ફડણવીસ

સોશિયલ મિડિયા છોડી દેવાની વડા પ્રધાન મોદીની જાહેરાત બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પણ જાહેરાત કરી છે કે જો મોદી સોશિયલ મિડિયા છોડી દેશે તો હું પણ સોશિયલ મિડિયા છોડી દઈશ. હું મારાં નેતાના માર્ગે ચાલીશ.

અમૃતાએ ટ્વીટમાં લખ્યું છે કે, ક્યારેક એકદમ નાનકડો નિર્ણય પણ તમારા જીવનમાં કાયમને માટે ફેરફાર લાવી દે છે. હું મારા નેતાના માર્ગે ચાલીશ.