LNG થી ચાલતી બસઃ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે નવા યુગની શરુઆત?

નવી દિલ્હી: દેશની ટોચની ઓટોમોબાઈલ કંપનીઓમાંથી એક ટાટા મોટર્સે દેશની પ્રથમ Liquefied Natural Gas (એલએનજી) થી ચાલતી બસની ડિલીવરી કરી છે. અહીં આપણે જાણીશું કે, શું છે એલએનજી બસની ખાસિયત અને તે સામાન્ય બસ કરતા કઈ રીતે અલગ છે.

એલએનજી બસની ફ્યૂલ કેપેસિટી સામાન્ય સીએનજી બસની સરખામણીએ લગભગ અઢી ગણી વધારે છે. એક વખત ટેન્ક ફૂલ કર્યા પછી આ બસ લગભગ 600થી 700 કિમીનું અંતર સરળતાથી કાપી શકે છે. આ બસની ખાસિયત એ છે કે, તે ગ્રીન હાઉસ એમિશન્સ ઓછુ કરવાની સાથે સાથે એર ક્વોલિટીમાં અનેક પ્રકારે સુધારો કરે છે.

એલએનજી બસ સામાન્ય બસની સરખામણીએ વજનમાં હલ્કી અને પેયલોડ ઓછો હોય છે તેમજ મેન્ટેન્સ ખર્ચ પણ ઓછો આવે છે. આ બસ મુસાફરો માટે આરામદાયક છે, સ્ટારબસ એલએનજી સુપીરિયર NVH લેવલને ઓફર કરી રહી છે. એલએનજી સિસ્ટમ ઓછા પ્રેસર પર ઓપરેટ કરી શકાય છે આ કારણે આગ લાગવાનો ખતરો ઘણો ઓછો રહે છે.

આ બસને ટાટા મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે અને સ્ટારબસ એલએનજી પ્રથમ પેસેન્જર વ્હિકલ છે જે એલએનજી સિસ્ટમની મદદથી ચાલશે. એલએનજી પેટ્રોનેટ લિમિટેડને આપેલા મોડલ ઉપરાંત ટાટા મોટર્સ ICV સેગમેન્ટમાં 2×2 લેઆઉટ (એસી અને નોન-એસી)ની સાથે 36-સીટર સ્ટારબસ એલએનજી અને MCV સેગમેન્ટમાં 2×2 લેઆઉટ સાથે 40-સીટર અને 3×2 લેઆઉટ(નોન એસી)ની સાથે 56 સીટર એલએનજી સ્ટારબસ ઓફર કરી રહી છે.

મહત્વનું છે કે, ટાટા મોટર્સે ફ્યૂલ ટેક્નોલોજીનું ઓપ્શન શોધવામાં એક કદમ આગળ વધતા ભારતની પ્રથમ એલએનજી બસની ડિલિવરી કરી છે. આને ટ્રાન્સપોર્ટના નવા યુગની શરુઆત કહીએ તો નવાઈ નહીં. કંપનીના (બસ પ્રોડક્ટ લાઈન) ના વાઈસ પ્રેસિડેન્ટ રોહિત શ્રીવાસ્તવે કહ્યું કે, અમે એલએનજી પ્રેટ્રોનેટ લિમિટેડ સાથે કામ કરીને ગર્વ અનુભવી રહ્યા છીએ, આ નવતર પ્રયાસથી અમે લોઅર-કાર્બનનું ભવિષ્ય જોઈ રહ્યા છીએ. સ્થિર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અમારી ઊંડી સમજની સાથે ઈકો-ફ્રેન્ડલી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓપ્શન મારફતે અમે આ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ ઉપરાંત ટાટા મોટર્સ એનર્જી સિક્યોરિટીના વિસ્તાર પર પણ કામ કરી રહી છે.