નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અધ્યક્ષ માટે NDA તરફથી ઓમ બિરલા 11.30 કલાકે સ્પીકર પદ માટે નામાંકન કરશે. તેઓ બપોરે 12 કલાક સુધી પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ કર્યા પછી આવતી કાલે સ્પીકરની ચૂંટણી કરાવવામાં આવશે. વિપક્ષે કે સુરેશને સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા છે. આમ સ્પીકરની ચૂંટણીમાં વિપક્ષે પણ ઉમેદવાર ઉતાર્યા છે.
આ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે સ્પીકરને ટેકો આપીશું, પણ ડેપ્યુટી સ્પીકરપદ વિપક્ષને મળવું જોઈએ. જોકે સર્વ સંમતિ ના સધાતાં વિરોધ પક્ષો પણ ઉમેદવાર ઉતાર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં આવવું જોઈએ. SP પ્રમુખ અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષે ડેપ્યુટી સ્પીકરની માગ કરી છે. જોકે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરપદ અપાય એવી વકી છે.
રાહુલ ગાંધીએ ભાજપ તરફથી સ્પીકર પદ પર સમર્થન માટે કોલ આવવવાની વાત કહીને કહ્યું હતું કે રાજનાથ સિંહે ખડગે ફોન કરીને સ્પીકરના ઉમેદવારને ટેકો આપવા માગ કરી હતી. જોકે અમારી માગ ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને મળવું જોઈએ. રાજનાથજીએ કહ્યું હતું કે તેઓ ફરીથી ફોન કરશે, પરંતુ અત્યાર સુધી તેમનો ફોન નથી આવ્યો.
PM મોદી કહી રહ્યા છે કે સહકાર હોવો જોઈએ. પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો ઇરાદો સ્પષ્ટ નથી. બીજી તરફ SP પ્રમુખ અખિલેશ યાદવે પણ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ સ્પીકરપદને સમર્થન આપવા તૈયાર છે. પરંતુ અમારી માગ સ્પષ્ટ છે કે અમને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. થોડા સમયમાં સ્થિતિ સ્પષ્ટ થશે.