નવી દિલ્હીઃ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટને એ સમયે એક અનઅપેક્ષિત બનાવનો સામનો કરવો પડ્યો કે જ્યારે કોઈનો કેસ લડી રહેલા એક વકીલ પોતાના બેડ પર શયન મુદ્રામાં અને ટીશર્ટ પહેરીને જ કોર્ટ સામે રજૂ થઈ ગયો. વકીલના આ વ્યવહાર પર જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સુનાવણી દરમિયાન કોર્ટના આદર્શો અને શિષ્ટાચારનું પાલન કરવું જરુરી છે. સુપ્રીમ કોર્ટે એપણ કહ્યું કે, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં જોડાઈ રહેલા વકીલ તેમના કેસની જ્યારે સુનાવણી થઈ રહી હોય ત્યારે દેખાવા જોઈએ. જો કે, બાદમાં વકીલે પોતાના વ્યવહાર બદલ કોર્ટ પાસેથી માફી માંગી લીધી અને બાદમાં જજ એસ.રવિન્દ્ર ભટ્ટે તેમની વિનંતી સાંભળતા તેમને માફ પણ કરી દીધા.
વકીલે સુપ્રીમ કોર્ટ પાસેથી માફી માંગતા કહ્યું કે, ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા-સુતા સુનાવણીમાં જોડાવું તે ખરેખર ખોટું છે. સુપ્રીમ કોર્ટે 15 જૂનના પોતાના આદેશમાં કહ્યું કે, કોર્ટનું માનવું છે કે, જ્યારે નકીલ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં રજૂ થાય તો ત્યારે તેમણે શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આપણે બધા જ લોકો કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દિનચર્યાનો એક ભાગ બની ગઈ છે. ત્યારે આવા સમયે સુનાવણી દરમિયાન જન પ્રકૃતિ અંતર્ગત વકીલને સભ્ય વસ્ત્રોમાં રજૂ થવું જોઈએ અને કોર્ટના આદર્શોનું પાલન કરવું જોઈએ.