30 સૈનિકો પર હત્યાનો કેસ?: SC કોર્ટે કેન્દ્ર, સંરક્ષણ મંત્રાલયને મોકલી નોટિસ

નવી દિલ્હીઃ નાગાલેન્ડ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જે હેઠળ સરકારે ત્રણ વર્ષ પહેલાં રાજ્યના મોન ક્ષેત્રમાં 13 સામાન્ય નાગરિકોની હત્યાને મામલે 30 સૈનિકો પર કાર્યવાહી કરવાની ધા નાખી છે. હવે આ મામલે કોર્ટે નાગાલેન્ડ, કેન્દ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલય પાસે જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે દલીલ સાંભળ્યા પછી કેન્દ્ર અને સંરક્ષણ મંત્રાલયને નોટિસ જારી કરી છે.

કેન્દ્ર સરકારે દોઢ વર્ષ પહેલાં એ સૈનિકો પર કોઈ કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય કર્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આરોપ લગાવ્યો છે કે ચોથી ડિસેમ્બર, 2021એ નાગાલેન્ડના મોન જિલ્લામાં એ સૈનિકોએ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો, પણ એ અભિયાનમાં  13 સામાન્ય નાગરિકોની હત્યા થઈ હતી. એ ઘટના પછી નાગાલેન્ડ પોલીસે FIR પણ નોંધી હતી.

રાજ્યના એડવોકેટ જનરલ જે.બી.પારડીવાલાએ અરજી દાખલ કરતી વખતે કહ્યું હતું કે પોલીસ પાસે મહત્વના પુરાવા છે, જે આ સૈનિકો સામેના આરોપોને સાબિત કરી શકે છે. કેન્દ્ર સરકાર મનસ્વી રીતે કામ કરીને, તેમની સામે કાર્યવાહી કરવામાં અને મૃતકોને ન્યાય મેળવવામાં રોકી રહી છે.

આ બાબતે નાગાલેન્ડ સરકારે કહ્યું હતું કે  કેન્દ્ર સરકાર તરફથી તપાસ માટે આવેલી ટીમ દ્વારા ન તો વિશેષ તપાસ ટીમ (રાજ્ય પોલીસ) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પર ધ્યાન આપ્યું અને ન તો યોગ્ય રીતે તપાસ કરી. તેણે પોતાનો રિપોર્ટ મનસ્વી રીતે તૈયાર કર્યો અને આ સૈન્યના જવાનો સામે કાર્યવાહી ન કરવા આદેશો જારી કર્યા હતો.

શું હતો મામલો?

વર્ષ 2021માં નાગાલેન્ડમાં આર્મીના જવાનો દ્વારા ભૂલથી થયેલા હુમલાના કેસમાં એક અધિકારી સહિત 30 સેનાના જવાનોને આરોપી બનાવવામાં આવ્યા છે. SITની તપાસ દર્શાવે છે કે સૈનિકોએ હુમલા દરમિયાન નિર્ધારિત એસઓપીનું પાલન કર્યું ન હતું, જેના કારણે રાત્રે પીકઅપ ટ્રકમાં ઘરે પરત ફરી રહેલા 13 નાગરિકોના મોત થયા હતા. જેના કારણે ઘણો વિવાદ અને હંગામો થયો હતો.