એ જ કોન્ટ્રેક્ટરને મુંબઈ મહાપાલિકાએ 3 ફ્લાયઓવર બાંધવાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે

મુંબઈઃ મહાનગરમાં ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ ટનલ પ્રોજેક્ટ હેઠળ ત્રણ ફ્લાયઓવર બાંધવાનો કોન્ટ્રેક્ટ એ કોન્ટ્રેક્ટરને આપવામાં આવ્યો છે જેનું નામ બિહારમાં ગંગા નદી પર બાંધવામાં આવી રહેલા એ બ્રિજના બાંધકામ સાથે સંકળાયેલું છે જે બ્રિજ ગઈ કાલે તૂટી પડ્યો હતો, એમ એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ગોરેગાંવ-મુલુંડ લિન્ક રોડ ટનલ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ ફ્લાયઓવરના બાંધકામ માટેનો કોન્ટ્રેક્ટ એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રેક્ટર એસ.પી. સિંગલાને ફાળવ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 584 કરોડ 27 લાખનો છે.

ગંગા નદી પર ગઈ કાલે તૂટી પડેલા કેબલ સ્ટેડ બ્રિજનું નામ છે અગુવાની સુલતાનગંજ બ્રિજ. તે બ્રિજ બિહારના ખગરિયા અને ભાગલપુર જિલ્લાઓને જોડનારો હતો. હવે આ બ્રિજ તૂટી પડવાથી બાંધકામ પ્રોજેક્ટની સલામતી અને પ્રગતિ વિશે શંકા ઊભી થઈ છે. બે વર્ષની અંદર આ જ બ્રિજનો હિસ્સો તૂટી પડવાની આ બીજી ઘટના બની છે. બ્રિજની ડિઝાઈન ખામીવાળી હોવાનું કહેવાય છે.