પર્યાવરણ દિવસઃ SVPI એરપોર્ટ પર વૃક્ષારોપણ, સફાઈ ઝુંબેશનો આરંભ

અમદાવાદઃ  સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવા SVPI એરપોર્ટે એક સપ્તાહ લાંબી ઝુંબેશ શરૂ કરી છે. એરપોર્ટ સ્ટેકહોલ્ડર્સ દ્વારા વૃક્ષારોપણ સાથે જનજાગૃતિ ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે, જેમાં પર્યાવરણના જતનાર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

એરપોર્ટના તમામ સ્ટેકહોલ્ડર્સ દ્વારા પર્યાવરણની સેવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના અભિગમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. પકૃતિની માવજત માટે પ્રતિજ્ઞા અને જાગૃતિ ફેલાવવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વૃક્ષારોપણ સાથે સફાઈ ઝુંબેશનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ જાગૃતિ ઝુંબેશ અંતર્ગત SVPI એરપોર્ટના મુસાફરોને પણ પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ પર્યાવરણને લગતી ચિત્રકામ પ્રવૃતિઓમાં ભાગ લઈ સરપ્રાઇઝ ઈકો ગિફ્ટ્સ મેળવી ઉત્સાહિત થઈ રહ્યા છે. મુસાફરોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા કાપડની શોપિંગ બેગ, પ્લાન્ટેબલ પેન જેવી યાદગાર ભેટો આપવામાં આવી હતી. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે આયોજિત અન્ય કાર્યક્રમોમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ફ્યુઅલ ફાર્મ અને એપ્રોચ રોડ પર સફાઇ ઝુંબેશનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સફાઈ ઝુંબેશ દરમિયાન ટીમે વિસ્તારમાંથી 600 કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો.