IIT ગાંધીનગરની NIRF ઈન્ડિયા રેન્કિંગ 2023માં આગેકૂચ

ગાંધીનગર: શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાના કાર્યમાં આગળ વધીને, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર (IITGN)એ આજે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જાહેર કરેલા ઇન્ડિયા રેન્કિંગ્સ-2023માં અસાધારણ પ્રગતિ દર્શાવી છે. સંસ્થાએ એન્જિનિયરિંગ કેટેગરીમાં 18મા સ્થાને (વર્ષ 2022માં 23મા ક્રમથી) પહોંચીને ટોચની 20 સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને ગયા વર્ષ (વર્ષ 2022માં 37મા ક્રમેથી) 13 સ્થાનની છલાંગ લગાવીને ઓવરઓલ કેટેગરીમાં 24મું સ્થાન મેળવ્યું છે; જે આ શ્રેણીની ટોચની 50 સંસ્થાઓમાં ગુજરાતની એકમાત્ર ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે. IITGNએ રિસર્ચ ઈન્સ્ટીટ્યુશન્સ કેટેગરીમાં પણ તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે તેમ જ 31મા રેન્ક પર પહોંચીને (વર્ષ 2022માં 34મા રેન્કથી) ફરીથી આ કેટેગરી હેઠળ ફીચર કરનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા બની છે.

વર્ષોથી સંસ્થાની સતત પ્રગતિ તેના શૈક્ષણિક કાર્યક્રમોના મૂળમાં રહેલી આંતરશાખાકીયતા, લર્નિંગ બાય ડુઇંગ અભિગમ, ડિઝાઇન વિચારસરણી, કલા, અને સર્જનાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ, સંશોધન, અને નવીનતામાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ સિદ્ધિ પર બોલતાં IITGNના ડિરેક્ટર પ્રોફેસર રજત મુનાએ જણાવ્યું કે IIT ગાંધીનગર ભારતની વિકાસગાથામાં યોગદાન આપવા માટે STEAM (એટલે ​​કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, આર્ટસ, અને મેથેમેટિક્સ)ના વિવિધ ક્ષેત્રોમાં વિશ્વ-સ્તરીય શિક્ષણ આપવા અને પ્રભાવશાળી આંતરશાખાકીય સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. NIRF 2023 રેન્કિંગમાં અમારી પ્રગતિ એ શિક્ષણ, સંશોધન, અને નવીનતા માટેના અમારા પ્રયત્નોમાં શ્રેષ્ઠતા માટે સતત પ્રયત્નશીલ રહેવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમે સંસ્થાના વિકાસના આગલા તબક્કામાં નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર છીએ.