નવી દિલ્હીઃ વિશ્વમાં વ્યાપેલી મંદીની વચ્ચે વર્ષ 2019માં ભારતમાં દર ત્રણ મહિને ત્રણ નવા અબજોપતિ બન્યા છે અને તેમની સાથે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા 138ની થઈ છે, જે ચીન અને અમેરિકા સૌથી વધુ છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી દેશના અને એશિયાના સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 67 અબજ ડોલર છે, જ્યારે તેઓ વિશ્વના 10 ટોચના શ્રીમંત વ્યક્તિઓમાં નવમા સ્થાને છે, એમ વર્લ્ડ રિચ લિસ્ટમાં જણાવાયું છે.
ભારતમાં 138 અબજપતિ
દેશમાં અબજપતિઓની કુલ સંખ્યા 138 છે, જે ચીનમાં સૌથી વધુ છે. આ યાદીમાં વિદેશમાં રહેતા ભારતીય મૂળના અબજપતિઓને જોડવામાં આવે તો એ સંખ્યા 170 સુધી પહોંચે.
વિશ્વના સૌથી વધુ શ્રીમંત
વિશ્વમાં એમેઝોનના ચીફ જેફ બેજોસ સતત ત્રીજી વાર આ લિસ્ટમાં ટોપ પર છે. તેમની નેટવર્થ 140 અબજ ડોલર છે. ત્યાર બાદ 107 અબજ ડોલરની સાથે એલએમવીએચના બર્નાર્ડ ઓરનોલ્ટ બીજા ક્રમાંકે અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ 106 અબજ સાથે ચોથા સ્થાને છે. મુકેશ અંબાણી ગલોબલ લિસ્ટ-2020માં નવા સ્થાને છે.
ચીન અને અમેરિકામાં સૌથી વધુ શ્રીમંત
વર્લ્ડ રિચ-2020માં ચીન 799 અબજપતિઓની સંખ્યા સાથે પહેલા સ્થાને છે અને અમેરિકા 626 અબજપતિઓ સાથે બીજા સ્થાને છે. આ યાદી એક અબજ ડોલરથી વધુ નેટવર્થવાળી વ્યક્તિઓની ગણતરીને આધારે આ યાદી બનાવી છે. આ યાદી પ્રમાણે વિશ્વમાં કુલ 2,817 અબજપતિઓ છે.
અદાણી પહેલી વાર ટોપ 100માં
ટોપ-100ની યાદીમાં મુકેશ અંબાણી સિવાય ગૌતમ અદાણી અને શિવ નાડર પરિવાર પણ સામેલ છે. અદાણી અને નાડર સંયુક્ત રીતે 17 અબજ ડોલરની સંપત્તિની સાથે 68મા ક્રમે છે. અદાણી આ ટોપ-100ની યાદીમાં પહેલી વાર આવ્યા છે.
OYO રૂમ્સના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ પણ સામેલ
OYO રૂમ્સના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ અને મેકઅપ કિલી જેનરને યંગેસ્ટ સેલ્ફ મેડ બિલિયોનરના રૂપે આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. બંનેની નેટવર્થ 1.1 અબજ ડોલર છે.
સૌથી વધુ અબજપતિ મુંબઈમાં
દેશમાં સૌથી વધુ 50 અબજપતિ મુબઈમાં, 30 અબજપતિ દિલ્હીમાં, 17 અબજપતિ બેંગલુરુમાં અને 12 અબજપતિઓ અમદાવાદમાં છે. દેશમાં 27 અબજ ડોલરની સંપત્તિ સાથે એસ. પી. હિન્દુજા પરિવાર બીજા ક્રમાંકે અને 17 અબજ ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી ત્રીજા ક્રમાંકે છે. કોટક બેન્કના ઉદય કોટકની કુલ નેટવર્થ 15 અબજ ડોલર છે અને તેઓ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.