દિલ્હી હિંસા મુદ્દે રાજકીય ઘમસાણ: ભાજપ અને કોંગ્રેસ આમને-સામને

નવી દિલ્હીઃ દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસામાં 35 જણનાં મૃત્યુ થયાં છે અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે રાજકીય ગરમાવો એની ચરમસીમાએ છે. આ મામલે રાજકીય હિંસા પણ ભડકી છે. કોંગ્રેસ અને ભાજપ એકમેક પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી ‘રાજધર્મ’ની યાદ અપાવી છે  અને ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું છે તો સામે પક્ષે ભાજપે સોનિયા ગાંધી  પર જ લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસેના આક્ષેપો

દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની હેઠળ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓના એક પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ આપ્યું હતું. તેમણે હિંસા પર કાબૂ ના મેળવી શકવા બદલ ગૃહપ્રધાન અમિત શાહનું રાજીનામું માગ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ રાષ્ટ્રપતિને અપીલ કરતાં કહ્યું હતું કે પોતાના પાવર વાપરીને રાજધર્મની રક્ષા કરે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીમાં તોફાનો થતાં હતાં ત્યારે કેન્દ્ર સરકારે કોઈ કાર્યવાહી કરી નહોતી. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં નવી બનેલી કેજરીવાલ સરકારને પણ આડે હાથ લીધી હતી.

ભાજપના પ્રતિઆક્ષેપો

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કોંગ્સે પર પલટવાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ CAAને લઈને લોકોને ભડકાવ્યા હતા. તેમણે કહ્યું કે 1984માં જે રીતે રાજીવ ગાંધીએ લોકોને ભડકાવ્યા હતા એ જ રીતે સોનિયાએ લોકોને ઉશ્કેર્યા હતા. જાવડેકરે આઇબી કર્મચારી અંકિત શર્માની હત્યા બાબતે આપ પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન અંગે પણ કોંગ્રેસના મૌન વિશે સવાલો ઊભા કર્યા હતા. જાવડેકરે કહ્યું હતું કે આ તોફાનો બે દિવસનાં નથી. બલકે આ માટે બે મહિનાથી લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. 11 ડિસેમ્બરે કાયદો આવ્યો અને 14 ડિસેમ્બરે કોંગ્રેસના સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ આરપારની લડાઈ છે, આ પાર કે પેલે પાર, એનો નિર્ણય કરવો પડશે.