અમેરિકા પહોંચીને ટ્રમ્પ પરિવારે ભારત પ્રવાસની યાદોને શેર કરી

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારત આવેલી તેમની દીકરી ઈવાંકા ટ્રમ્પ અમેરિકા પહોંચી છે. અહીંયાથી તે જે વસ્તુ સાથે લઈને ગઈ છે, તે છે સુંદર ક્ષણો, યાદો, અને ફોટોગ્રાફ્સ કે જેને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે જ ઈવાંકાએ ભારતનો આભાર પણ માન્યો છે.

ભારત આવતા પહેલા જ ચર્ચામાં રહેલી ઈવાંકા ટ્રમ્પે અમેરિકા પાછા જઈને તાજમહેલ સામે પડાવેલા ફોટા શેર કર્યા છે. ફોટોઝમાં ઈવાંકા સાથે તેમના પતિ જેરેડ કુશનર પણ દેખાઈ રહ્યા છે. બંન્નેએ પ્રેમની આ નિશાની સામે હાથ પકડીને ફોટા પડાવ્યા છે, જેમાં ઈવાંકા તાજની સુંદરતાને જોઈ રહી છે. ફોટો સાથે ઈવાંકાએ લખ્યું છે કે, આભાર ભારત

ભારતથી પોતાના દેશમાં પાછા ફર્યા બાદ ઈવાંકાએ મહેમાનગતી માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું, અમે આપના સુંદર દેશમાં આવ્યા અને અમેરિકા અને ભારતની તાકાત અને એકતાની ઉજવણી કરી. અમે અમારી યાત્રા દરમિયાન અમે માનવીય રચનાત્મકતાની સ્મારકીય ઉપ્લબ્ધિઓ જોઈ.

પ્રથમ મહિલા મેલેનિયાએ પણ આગ્રા તાજમહેલમાં ટ્રમ્પ સાથે પડાવેલા ફોટોઝ અને વિડીયો ટ્વીટ કર્યા. વિડીયો શેર કરતા મેલેનિયાએ લખ્યું કે, વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક, મનમોહક તાજમહેલ.

અમેરિકા પહોંચી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતના વખાણ કર્યા. તેમણે ભારતને મહાન દેશ ગણાવતા પોતાના પ્રવાસને સફળ ગણાવ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે હતા. તેમણે આ દરમિયાન ભારત સાથે 3 અરબ ડોલરની ડિફેન્સ ડિલ કરી. તેમના માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટનું આયોજન કર્યું છે, જેમાં એક લાખથી વધારે લોકો ઉપસ્થિત હતા.