પ્રશાંત કિશોર પર ચૂંટણી કેમ્પેનમાં ચોરીનો આરોપ

પટણાઃ ચૂંટણી રણનીતિકાર અને JDUના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર વિરુદ્ધ પટનામાં ગુરુવારે FIR નોંધાઈ છે. પ્રશાંત પર કાર્યક્રમ ‘બાત બિહાર કી’ માટે મોતિહારીના રહેવાસી એન્જિનીયર શાશ્વત ગૌતમનું કન્ટેન્ટ ચોરી કરવાનો આરોપ છે. ગત દિવસોમાં પ્રશાંતે જ આ કાર્યક્રમ બિહારમાં લોન્ચ કર્યો હતો. જેના કારણે પ્રશાંત અને ઓસામા(બીજો આરોપી)વિરુદ્ધ પટનાના પાટલીપુત્ર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406 અને 420 એટલે કે છેતરપિંડી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પ્રશાંત પર કેસ કરનારા શાશ્વત ગૌતમ પહેલા કોંગ્રેસ માટે કામ કરી ચુક્યા છે. શાશ્વતે એ વખતે ‘બિહાર કી બાત’નામથી એક પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેને ભવિષ્યમાં લોન્ચ કરવાની તૈયારી હતી. આ સાથે શાશ્વત સાથે કામ કરનારા યુવક ઓસામાએ રાજીનામું આપી દીધું હતું. ઓસામા પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. તે સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી પણ લડી ચુક્યા છે. આરોપ છે કે ઓસામાએ કાર્યક્રમનું બધું કન્ટેન્ટ પ્રશાંત કિશોરને સોંપ્યું હતું. પ્રશાંતે તેને પોતાની વેબસાઈટ પર નાંખ્યું હતું. શાશ્વતે આ અંગે પોલીસને ઘણા પુરાવા પણ સોંપ્યા છે.

પ્રશાંતે આ અંગે કહ્યું કે, એક માણસે બે મિનિટનો પ્રચાર કરવા માટે આ બધુ કર્યું છે. જે પણ તપાસ એજન્સીઓ છે, તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ જેથી સત્ય સામે આવી શકે. પ્રશાંત કિશોરે 20 જાન્યુઆરીએ કાર્યક્રમ ‘બાત બિહાર કી’લોન્ચ કર્યું હતું. પ્રશાંતના આ અભિયાનના કારણે ગણતરીના કલાકોમાં જ ત્રણ લાખથી વધારે લોકો એકઠા થઈ ગયા હતા. પ્રશાંતે કહ્યું હતું કે, આ અભિયાન દ્વારા બિહારને બદલાવી ઈચ્છા રાખનારા યુવાનોને જોડવામાં આવશે. આગામી 100 દિવસોની અંદર અંદર અભિયાનથી 10 લાખ લોકોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.