નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની અબજોપતિઓની યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વના પાંચમાં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. ઓઇલથી માંડીને ટેલિકોમ ક્ષેત્ર સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને પાચમું સ્થાન હાંસલ કરીને અમેરિકી રોકાણકાર વોરન બફેટને પાછળ કરી દીધા છે. ફોર્બ્સના મુજબ મુકેશ અંબાણીની સંપત્તિ 75 અબજ ડોલર છે.
રિલાયન્સનું એમ-કેપ વધીને 13.17 લાખ કરોડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) ઝડપથી વધીને 13.17 લાખ કરોડ રૂપિયા (176.4 અબજ ડોલર)એ પહોંચી ગયું છે. હજી બે સપ્તાહ પહેલાં છઠ્ઠી જુલાઈએ કંપનીનું એમ-કેપ 160 અબજ ડોલર હતું. કંપનીએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમ-કેપમાં પાછલાં છ વર્ષોમાં 10 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. આમાં ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો તો પાછલા 10 મહિનામાં થયો છે. કંપનીના શેરનો ભાવ શેરદીઠ 2004 રૂપિયા બંધ આવ્યો હતો.
રિલાયન્સ દેવાંમુક્ત કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એની ડિજિટલ શાખા જિયોમાં આશરે 33 ટકાનો હિસ્સો ફેસબુક અને ગૂગલ સહિત અગ્રણી રોકાણકારોને વેચ્ચો હતો. ત્યાર બાદ રિલાયન્સ દેવાંમુક્ત કંપની બની હતી.
કંપનીએ 22માંથી 14 સોદાની ઘોષણા કરી
કંપનીએ 22માંથી અત્યાર સુધી 14 સોદાની ઘોષણા કરી હતી, જેમાંથી જિયો પ્લેટફોર્મ્સમાં 1.5 લાખ કરોડના હિસ્સાને વેચવાનો સોદો પણ સામેલ છે. જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલે 7.7 ટકા હિસ્સો લઈને 33,737 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.
રિલાયન્સે જિયોમાં મૂડીરોકાણના માધ્યમથી 2.12 લાખ કરોડ એકત્ર કર્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયોમાં મૂડીરોકાણના માધ્યમથી 2.12 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીનું એમ-કેપ 12.70 લાખ કરોડ થઈ ગયું છે અને એ દેશની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.
ફોર્બ્સની યાદી
ફોર્બ્સની યાદી અનુસાર જેફ બેઝોસ 185.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વનમી સૌથી શ્રીમંત વ્યક્તિ છે. બિલ ગેટ્સ બર્નાર્ડ આરનોલ્ટ અને માર્ક ઝુકરબર્ગ લિસ્ટમાં મુકેશ અંબાણીથી આગળ છે.