‘શ્રીરામ જન્મભૂમિ’ હશે ભવ્ય મંદિરનું નામ

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ પોતાના અંતિમ ચરણમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રામ મંદિરની ડિઝાઈનમાં ખાસ ફેરફાર કરવામાં આવી શકે છે. મંદિરનું નામ ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’ હશે અને પહેલાની અપેક્ષાએ મંદિર લગભગ બમણું મોટું હશે. નવી ડિઝાઈનમાં પ્રાર્થના માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. રામ મંદિરની નવી ડિઝાઈનમાં જે મંડપ બનાવવાનો પ્રસ્તાવ છે, તેમાં એક વખતમાં 50,000 શ્રદ્ધાળુઓની બેસવાની ક્ષમતા હશે. ગર્ભ ગૃહના શિખર મંડપને છોડીને રંગ મંડપ, નૃત્ય મંડપ અને ગુડ મંડપનો આકાર મોટો હશે. શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. આખું મંદિર પથ્થરોથી જ બનાવવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર 12 ફૂટના પિંક સ્ટોનથી બનાવાશે, જે ફાઉન્ડેશન ફ્લોર હશે. આ જ ફ્લોર પર ભગવાન શ્રીરામનું ગર્ભગૃહ હશે. પહેલા માલ પર રામ દરબાર હશે જ્યારે બીજો માળ ખાલી હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ગર્ભગૃહ અને અગ્રભાગ હશે અને સાથે જ સિંહ દ્વાર પણ હશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ ભૂમિપૂજન અનુષ્ઠાનની તૈયારીઓ જોઈ રહ્યા છે અને મૂહુર્ત માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મૂહુર્તનો સમય 5 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે અને 15 મિનિટ અને 15 સેકન્ડ બાદ 32 સેકન્ડની અંદર શુભ અભિજીત મૂહુર્ત હશે, જેમાં વડાપ્રધાન મોદીને ભૂમિપૂજન માટે ચાંદીની ઈંટો મૂકવાની રહેશે.

હકીકતમાં 32 સેકન્ડનો આ ખાસ સ્વાર્થ સિદ્ધિ યોગ સમય નક્કી થયો છે. માનવામાં આવે છે કે, ભગવાન શ્રી રામનો જન્મ અભિજીત મૂહુર્તમાં જ થયો હતો. એટલા માટે જ રામ મંદિરના ભૂમિપૂજન માટે અભિજીત મૂહુર્ત પસંદ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી 40 કિલો ચાંદીની ઈંટ શ્રીરામ શિલાનું પૂજન કરીને તેને સ્થાપિત કરશે.