બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા છે. જેમને મળવા માટે જ્યારે તેઓ સવારે હોટલની બહાર પહોંચ્યા તો કથિત રીતે પોલીસે તેમને રોક્યાં. જેના પગલે તેઓ હોટલની પાસે જ ધરણા પર બેસી ગયા. ત્યારબાદ સુરક્ષા કારણોસર પોલીસે દિગ્વિજય સિંહને અરેસ્ટ કરવા પડ્યાં. દિગ્વિજય સિંહે કહ્યું કે હું બળવાખોર ઉમેદવારોના પાછા ફરવાની આશા રાખી બેઠો હતો. પરંતુ અમે જોયું કે તેમને બંધક બનાવીને રાખવામાં આવ્યાં છે. તેમના પરિવાર તરફથી પણ મેસેજ આવ્યાં. મેં પોતે આ અગાઉ તેમાંથી 5 ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી પરંતુ તેમણે જણાવ્યું કે તેમના ફોન લઈ લેવામાં આવ્યાં છે અને હોટલ બહાર પોલીસ તૈનાત છે. તેઓ 24 કલાક પહેરામાં છે.
અહીં આવવા અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે મધ્ય પ્રદેશમાં રાજ્યસભાનો ઉમેદવાર છું. 26 માર્ચે મતદાન થવાનું છે. મારા ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા છે. તેઓ મારી સાથે વાત કરવા માંગે છે. પરંતુ તેમના ફોન છીનવી લેવાયા છે. પોલીસ મને તેમની સાથે વાત કરવા દેતી નથી. ધારાસભ્યોની સુરક્ષાને જોખમ છે.
જો કે પોલીસે તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકરોએ એમ થવા દીધુ નહીં. આ અગાઉ જ્યારે દિગ્વિજય સિંહ ત્યાં પહોંચ્યા તો કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી કે શિવકુમારે તેમની મુલાકાત કરી. ત્યારબાદ દિગ્વિજય સિંહ કોંગ્રેસના કાર્યકરોની સાથે બળવાખોર ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યાં.
આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. ભાજપે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જલદી કરાવવા અંગેની માગણીવાળી અરજી કરી છે.
મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોએ મંગળવારે બેંગ્લુરુમાં પ્રેસ કોન્ફરન્સ કરી. ધારાસભ્ય ગોવિંદસિંહ રાજપૂતે કહ્યું કે કમલનાથજીએ ક્યારેય અમને 15 મિનિટ પણ સાંભળ્યા નથી. તો પછી અમારા વિસ્તારના વિકાસકાર્યો માટે અમારે વાત કોને કરવી? અન્ય એક ધારાસભ્ય ઈમરતી દેવીએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે અને અમે તેમની પાસેથી ઘણું શીખ્યા છે. અમે હંમેશા તેમની સાથે રહીશું પછી ભલે અમારે કૂવામાં કૂદવું પડે.
કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય બિસાહુલાલે સીએમ કમલનાથ પર નિશાન સાધતા કહ્યું કે કમલનાથે મધ્ય પ્રદેશનો નહીં પરંતુ ફક્ત છીંદવાડાનો વિકાસ કર્યો છે. મુખ્યમંત્રી સમગ્ર પ્રદેશના હોય છે, પરંતુ કમલનાથજી ફક્ત છીંદવાડાના સીએમ બનીને રહ્યાં.
અહીં અલગ અલગ ધારાસભ્યોએ પ્રેસને કરેલા સંબોધનમાં કહ્યું કે તમે અમને ખુલ્લા મને પ્રશ્નો પૂછી શકો છો. બંધક શબ્દને અમારાથી અલગ કરો. અમે લોકો મુક્ત થઈને ઘૂમી રહ્યાં છીએ. અમે કમલનાથજીને પણ અહીં આમંત્રિત કરી શકીએ છીએ.
બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે અમે બધા કમલનાથ સરકારથી નાખુશ છીએ અને અમે બધાએ રાજીનામા આપ્યાં છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ સમજી રહ્યાં છે કે દોઢ વર્ષમાં કશું કરી શક્યા નથી. સિંધિયા કમલનાથના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં જે સરકાર બની હતી તેની સાથે એક વચનપત્ર પણ બન્યું હતું. ત્યારે સિંધિયાએ કહ્યું હતું કે તેઓ રસ્તા પર ઉતરશે. આજે જેટલા પણ ધારાસભ્યો આવ્યાં છે, તેઓ પોતે જાતે આવ્યાં છે. સરકાર પાસે અમારા માટે જરાય સમય નથી. જો કે અમે ભાજપમાં જોડાયા નથી. અમે નક્કી કરીશું કે અમારે આગળ શું કરવાનું છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાયા છે. પરંતુ હજુ અમારા રાજીનામા મંજૂર થયા નથી. કમલનાથ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઈમરતીદેવીએ કહ્યું કે તેમની પાસે ધારાસભ્યો અને મંત્રીઓને મળવાનો સમય નથી. સિંધિયા અમારા નેતા છે પરંતુ ભાજપમાં જોડાવવા પર અમે વિચાર કરીશું.