કાબુલઃ અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબજો કર્યો છે, ત્યારથી આ દેશની હાલત બદથી બદતર થઈ ગઈ છે. કંધારમાં છેલ્લા છ મહિનાઓમાં 1000થી વધુ લોકો ટીબીની બીમારીથી સંક્રમિત થયા છે, એમ કાબુલની ટોલો ન્યૂઝનો એક રિપોર્ટ કહે છે.
આ બીમારીથી પીડિત લોકોમાં બાળકો, મહિલાઓ અને વયોવૃદ્ધ લોકો સામેલ છે. કંધારના આરોગ્ય વિભાગના પ્રમુખ જમાલુદ્દીન અઝીમીએ કહ્યું હતું કે છેલ્લા છ મહિનામાં આશરે 1160 ટીબી રોગી હતા, જે ગયા વર્ષની તુલનામાં સાડાછ ટકા ઓછા થયા છે. એમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે.
આ બીમારી સારવારના અભાવે ફેલાઈ રહી હોવાનું મુખ્ય કારણ છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. જાબુલ પ્રાંતના શાહજોય જિલ્લાના નિવાસી ખાન મોહમ્મદે કહ્યું હતું કે તેમની સારવાર ઘણા મહિનાઓથી ચાલી રહી છે. આ સારવાર કરતાં એક વર્ષ થયું છે, પરંતુ મને કોઈ લાભ નથી થયો. જ્યારે હું અહીં ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ સેન્ટરમાં આવ્યો, ત્યારે મારી સારવાર કરવામાં આવી હતી અને ડોક્ટરોએ કહ્યું હતું કે હું ઠીક થઈ જઈશ, એમ તેણે કહ્યું હતું.
હેલમંદ નિવાસી અબ્દુલ અહદે કહ્યું હતું કે હું અહી આવ્યો અને ડોક્ટરોએ મારી સારવાર કરી અને દરેક બાબતે મારી મદદ કરી અને હવે હું ઠીક છું. હાલમાં ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ હોસ્પિટલમાં ટીબીથી પીડિત 75 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટા ભાગનાં મહિલા અને બાળ દર્દીઓ છે. જોકે અહીં છેલ્લા છ મહિનાઓમાં ટીબી પીડિત 415 લોકોનું નિદાન અને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.