મુંબઈમાં ત્રણ દિવસમાં ચોમાસું સક્રિય થશે

મુંબઈઃ દરિયાઈ વાવાઝોડા ‘બિપરજોય’ને કારણે મહારાષ્ટ્રમાં વર્ષાઋતુની પધરામણી વિલંબમાં પડી છે. પરંતુ હવે અરબી સમુદ્ર પરના આકાશમાં ચોમાસા માટેની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે અને એને કારણે આવતા 72 કલાકમાં જ ચોમાસું ફરી સક્રિય થશે અને મુંબઈ તથા પુણે શહેરમાં પ્રવેશ કરશે એવું અનુમાન ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણનો પટ્ટો સર્જાયો છે એને કારણે ચોમાસું આગળ વધશે અને મુંબઈ સહિત, પડોશના જિલ્લાઓ, પુણે ઉપરાંત અન્ય વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે. એલ-નિનો પરિબળની માઠી અસરને કારણે દેશમાં દુકાળની સ્થિતિ સર્જાઈ છે. એમાં વળી, બિપરજોય વાવાઝોડાએ નૈઋત્યના ચોમાસાની પ્રગતિને રોકી દેતાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. વાવાઝોડાએ રાજસ્થાનમાં ભારે વરસાદ ઝીંકીને પૂર લાવ્યા બાદ હવે તેનું જોર નરમ પડી ગયું છે.