નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનની વાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અનેક લોકોએ મને સૂચનો કર્યાં છે. કોરોના વાઇરસથી જનતા લડી રહી છે. દેશનો દરેક નાગરિક આ લડાઈમાં યોદ્ધા છે અને આ લડાઈમાં નેતૃત્વકર્તા છે. સંપૂર્ણ દેશ એકજૂટ છે. દેશવાસીઓ એકમેકની મદદ કરી રહ્યા છે. દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે. લોકોના આ તપને હું નમન કરું છું. કોરોના સામે આપણી આ લડાઇ પબ્લિક ડ્રિવન છે. આ મનની વાત કાર્યક્રમની 64મી આવૃત્તિ છે. આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવે છે.
વડા પ્રધાન મોદીએ મનની વાત કાર્યક્રમ દ્વારા જે વાત કરી હતી એના મુખ્ય અંશો આ પ્રમાણે છે.
આપણે ભાગ્યશાળી છીએ કે દેશનો દરેક નાગરિક આ લડાઈમાં સૈનિક છે. વિશ્વઆખું આ રોગચાળા સામે ઝઝૂમી રહ્યું છે. તમે ક્યાંય પણ નજર નાખો આ જનતાની લડાઈ છે.
શહેર હોય કે ગામ હોય- એવું લાગી રહ્યું છે કે દેશમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં દરેક જણ પોતાનું યોગદાન આપી રહ્યો છે. ખેડૂતો દિવસ-રાત ખેતરોમાં સતત મહેનત કરી રહ્યા છે અને ચિંતા કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિ ભૂખે ના સૂએ.
કોઈ પગારનું દાન આપી રહ્યું છે, કોઈ માસ્ક બનાવી રહ્યું છે તો કોઈ ખેતરમાંની શાકભાજીનું દાન કરી રહ્યું છે. કોઈ મજૂર જે સ્કૂલમાં ક્વોરોન્ટાઇન છે એમાં સ્કૂલનું રંગકામ કરી રહ્યું છે. આ જ ભાવ કોરોના સામેની લડાઈમાં તાકાત આપી રહ્યું છે.
પાછલાં કેટલાંક વર્ષોમાં લાખ્ખો લોકોએ ગેસ સબસિડી છોડી છે.
cavidworriors.gov.in –સરકારે આ પ્લેટફોર્મના માધ્યમથી સિવિલ સોસાઇટીના પ્રતિનિધિ અને સ્થાનિક વહીવટી તંત્રને સાંકળ્યા છે. આમાં અત્યાર સુધી સવા કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે.
અમારા એવિયેશનના સાથીઓએ આટલા સમયમાં ત્રણ લાખ કિલોમીટરની હવાઈ પ્રવાસ દ્વારા 500 ટન મેડિકલ સામગ્રી દેશના ખૂણેખૂણામાં પહોંચાડી છે. એવી જ રીતે રેલવે પણ દિવસ-રાત કામ કરી રહી છે.
દેશમાં આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા લોકો માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. આ વટહુકમમાં આરોગ્ય કર્મયચારીઓની સામે હિંસા પર કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ભારતના આયુર્વેદને લોકો વિશિષ્ટ ભાવથી જોઈ રહ્યા છે. કોરોનાની દ્રષ્ટિએ ઇમ્યુનિટી વધારવા માટે જે પ્રોટોકોલ આપવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તમે એનો ઉપયોગ કરી રહ્યા હશો.
દેશની યુવા પેઢી આ પડકારનો સ્વીકાર કરવો પડશે. જેવી રીતે વિશ્વએ યોગનો સ્વીકાર કર્યો છે, એવી રીતે આયુર્વેદને વિશ્વ જરૂર સ્વીકારશે.
દેશમાં મોટું પરિવર્તન થયું છે અને લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે માસ્ક સભ્ય સમાજનું પ્રતીક બની જશે.
રમજાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે. કોકઈએ વિચાર્યું પણ નહીં હોય કે રમજાનમાં આટલી મોટી મુશ્કેલી ઊભી થશે. આપણે પહેલાથી વધુ નમાજ અદા કરીએ અને કોરોના સામેની લડાઈ મજબૂત કરીએ.
હું તમને આગ્રહ કરું છુ કે ક્યારે વધુપડતા આત્મવિશ્વાસમાં ના આવતા. કોરોના સામે સાવધ રહેવું અત્યંત જરૂરી છે. આને હલકામાં લઈને છોડી ના દેતા. આપણા પૂર્વજો કહી ગયા છે કે આગ, ઋણ અને બીમારી તક જોઈને ફરી વધી જાય છે. એટલે આની સંપૂર્ણ સારવાર જરૂરી છે.
બે ગજનું અંતર બહુ જરૂરી છે. પ્રાર્થના કરું છું કે આવતી વખતે આપણે મળીએ ત્યારે વિશ્વ કોરોનાથી મુક્તિના સમાચાર મળે.