બ્લેકમની કંટ્રોલ કરવા બેનામી સંપત્તિ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી શકે છે મોદી સરકાર

નવી દિલ્હી- વિદેશોમાં જમા બ્લેકમની ભારતમાં પરત લાવવું અને ભારતમાં જમાખોરો પર કડક કાર્યવાહી કરવાના વાયદા સાથે મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી હતી. આ દિશામાં સરકારે સકારાત્મક પ્રયાસો પણ કર્યા છે. પરંતુ હજી જોઈએ તેવું પરિણામ મળી શક્યું નથી.આગામી વર્ષે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારને જનતા વચ્ચે જવાનો ચૂંટણી પહેલા અંતિમ અવસર છે. જેમાં સરકાર આ દિશામાં વધુ કેટલાંક કડક પગલાં લઈ શકે છે. જાણકારોનું માનીએ તો, બેનામી સંપત્તિ પર ‘સર્જિકલ સ્ટ્રાઈ’ કરવાનું મોદી સરકારે મન બનાવી લીધું છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર બેનામી સંપત્તિ જપ્ત કરવા અથવા તે અંગે કોઈ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી શકે છે. આ સંપત્તિ એવા પ્રકારની હોય છે જેને ટેક્સ વિભાગથી બચાવવા કોઈ અન્ય વ્યક્તિના નામ પર ખરીદવામાં આવી હોય છે. જેમાં નાણાકીય વ્યવહાર કોઈ અન્યના નામથી કરવામાં આવે છે પરંતુ સંપત્તિ પર જે-તે વ્યક્તિનો હક યથાવત રહે છે. જેથી આવા વ્યક્તિની ઓળખ કરવી ઘણી મુશ્કેલ હોય છે.

પ્રોપર્ટી એક્ટ મુજબ આ પ્રકારના સોદા કરનારા પ્રોપર્ટીનો સાચો માલિક અથવા તેની સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારમાં જોડાયેલી તમામ વ્યક્તિઓને દોષી માનવામાં આવે છે. જેમાં સાત વર્ષ સુધી જેલની સજા અને સંપત્તિની બજાર કીમતના 25 ટકા સુધી દંડ ફટકારવામાં આવી શકે છે. આ પ્રકારની સંપત્તિને સરકાર જપ્ત પણ કરી શકે છે.

રાજકીય પંડિતોનું માનવું છે કે, નોટબંધીની જેમ જો બેનામી સંપત્તિ જપ્ત કરવા અંગે સરકાર કોઈ નક્કર પગલા લેશે તો સરકારને તેનો લાભ ચૂંટણીમાં મળી શકે છે. જેમ નોટબંધી વખતે સમાજના એક મોટા વર્ગનું માનવું હતું કે, તેમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે પણ નોટબંધીને કારણે બેઈમાન, ટેક્સ ચોર અને બ્લેકમની રાખનારા લોકોને મુશ્કેલી થશે. આમ વિચારીને તેઓએ મોદી સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. આજ પ્રમાણે બેનામી સંપત્તિ પર કાર્યવાહીને લઈને મોદી સરકારને દેશના ગરીબ, મધ્યમ વર્ગ ઉપરાંત અન્ય લોકોનું પણ સમર્થન મળી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]