2થી 5 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર

અમદાવાદ- વિદ્યાર્થીઓ તથા વાલીઓ એક જ સ્થળેથી શૈક્ષણિક કારકિર્દીના ઘડતર અને શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાંથી કોને મહત્વ આપવું તે અંગેનું વ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શકે તેવા હેતુ સાથે અમદાવાદમાં ગ્રાન્ડ એજ્યુકેશન ફેર યોજાઇ રહ્યો છે. આ એજ્યુકેશન ફેર ગુજરાત સરકાર, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે 2 થી 5 ફેબ્રુઆરી-ર૦૧૮ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન સેન્ટરમાં યોજાશે. સીએમ વિજય રૂપાણી ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું ઉદઘાટન કરશે.ચ્ચ શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ તકો, તેના વિવિધ અભ્યાસક્રમો, વિવિધ કોલેજો અને યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા, ફીનું ધોરણ, વગેરે અંગે માર્ગદર્શન, વિદેશી શિક્ષણમાં ઉપલબ્ધ તકો, વિદેશી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા અને ફીનું ધોરણ અંગેની માહિતી, શિષ્યવૃત્તિ, શૈક્ષણિક/બેંક લોન, સરકારશ્રીની ઉચ્ચ અને વિદેશી શિક્ષણ માટેની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અંગેની માહિતી, સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપનો પરિચય, ઉપલબ્ધ તકો અને તેના માટે નાણાંકીય બાબતો અંગેની માહિતી, એજ્યુકેશન લોન વ્યાજ સબસીડી સ્કીમ અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગેની માહિતી પ્રાપ્ત થશે.

આ એજ્યુકેશન ફેરમાં ગુજરાત રાજ્યમાં આવેલ વિવિધ ૪૪ યુનિવર્સિટીઓના ૫૫ સ્ટોલ, રાજ્યમાં આવેલ વિવિધ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની ૫૮ કોલેજોના ૬૪ સ્ટોલ, ૧૧ પ્રાઇવેટ ફોરેન કન્સલ્ટન્ટના સ્ટોલ, ૦૨ ફોરેન કાઉન્સિલના સ્ટોલ, ૦૪ બેંકના સ્ટોલ, અન્ય સંસ્થાઓના ૧૭ સ્ટોલ, અને ૦૮ ફૂડ સ્ટોલનું આયોજન કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષથી અમલમાં આવેલી વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજના અંગેની માહિતી પણ આ ફેરમાં મળી રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓને વર્તમાન સમયની ઉપલબ્ધ વિવિધ વિદ્યાશાખાઓમાં કારકિર્દીની તકો, ઉચ્ચ શિક્ષણ માટેની રાજ્ય સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અને  શિષ્યવૃત્તિ સંબંધી યોજનાઓ, શૈક્ષણિક લોન અંગેની માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને તે અન્વયે ઉપલબ્ધ વ્યવસ્થાઓ તથા ભાવિ તકો, રોજગાર ક્ષમતા માટે જરૂરી સોફ્ટ સ્કિલ અને કોમ્યુનિકેશન સ્કિલ, તેમજ વિદેશી શિક્ષણ અંગેની માહિતી, સ્વ-રોજગાર માટે સરકારશ્રીની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી અંગેની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથી મળી શકે તે માટે વિવિધ સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં મુખ્યપ્રધાનના હસ્તે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંગેના અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગેના ચેકનું વિતરણ કરવામાં આવશે. ગ્રાન્ડ એજ્યુકેશન ફેરના ઉદઘાટન સમારંભમાં અંદાજીત ૨૫૦૦ વિદ્યાર્થીઓ, વાલીઓ અને અધ્યાપકો, કારકિર્દી અંગેના સેમિનારમાં આશરે ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા એક્ઝીબીશન હોલમાં અંદાજીત ૧,૦૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહેશે.

કોલેજો અને યુનિવર્સિટીઓને (૧) નેકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, (૨) નેટ/સ્લેટ (૩) રીસર્ચ અને ઇનોવેશન, (૪) પ્લેસમેન્ટ એક્ટીવીટી, (૫) સ્ટાર્ટઅપ પોલીસી જેવી પાંચ કેટેગરીમાં ૪૦ જેટલા એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવશે.

આ ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ કોલેજો, યુનિવર્સિટીઓ, ફોરેન એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ, તેમાં ઉપલબ્ધ વિવિધ કોર્સિસ, પ્રવેશ/પ્રક્રિયા, ફીનું ધોરણ વગેરે અંગેની માહિતી એક જ સ્થળે મળી રહેશે. તેઓ યુનિવર્સિટી અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત કરી કારકિર્દી માર્ગદર્શન મેળવી શકશે.

સેમિનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ www.educationfairgujarat.org વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]