અમદાવાદઃ સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્રીય ટીમ પાંચ ફેબ્રુઆરીએ આવશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ચાલુ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણ-2018 હેઠળ અમદાવાદની સ્વચ્છતાનું જાત નિરીક્ષણ કરવા દિલ્હીથી કેન્દ્રીય ટીમ 5 ફેબ્રુઆરીના રોજ શહેરની મુલાકાતે આવશે. આ કેન્દ્રીય ટીમ 5,6 અને 7 એમ ત્રણ દિવસ શહેરમાં રોકાઈને જાહેર સ્થળોની સાફસફાઈની ચકાસણી કરશે.સ્વચ્છ અમદાવાદના બણગા ફૂંકીને ટોપ-10માં આવવાનો દાવો ભલે તંત્ર દ્વારા કરવામાં આવતો પરંતુ સ્વચ્છતાને લઈને અમદાવાદ શહેરની સ્થિતિ કંઈક અલગ જ છે. કોર્પોરેશન દ્વારા સ્વચ્છ અમદાવાદનો દાવો કરવામાં આવે છે પરંતુુ આજે પણ અમદાવાદના ઘણા વિસ્તારોમાં ગંદકી પોતાનો અડીંગો જમાવીને બેઠી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર 2014થી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજઘાટથી પોતે જાતે જ રસ્તાની સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આખા દેશમાં છેલ્લુ સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર શહેર પ્રથમ સ્થાને આવ્યું હતું. ઈન્દોર બાદ ભોપાલ, વિશાખાપટ્ટનમ અને પછી ગુજરાતનું સૂરત શહેર ચોથા ક્રમાંકે આવ્યું હતું. જ્યારે વડોદરાએ દસમો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. પરંતુ અમદાવાદ સ્વચ્છતા અભિયાન પાછળ કરોડોનો ખર્ચ કરાયા બાદ પણ સૂરત અને વડોદરા તો ઠીક પરંતુ ઉજ્જૈન અને પૂણે કરતાં પણ પાછળ રહી ગયું હતું. વર્ષ 2017માં દેશમાં 500 શહેરોની સ્પર્ધા વચ્ચે અમદાવાદે 14મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના 4041 શહેર વચ્ચે સ્પર્ધા યોજાશે.

ઘરે ઘરેથી એકત્રીત કરાતા ઘન કચરાને સુકો અને ભીનો એમ બે અલગ અલગ રીતે એકત્રીત કરવાની જગ્યાએ સુકો અને ભીનો કચરો એક સાથે કચરાની ગાડીમાં ઠલવાય છે. કેન્દ્રના સ્વચ્છ ભરત અભિયાન હેઠળ જે મકાનમાં શૌચાલય નથી ત્યાં તાકીદે શૌચાલય બનાવવાની યોજના હોવા છતા બહેરામપુરા જેવા વિસ્તારમાં તંત્રના સર્વે કરાયા બાદ મંજૂર કરવામાં આવેલા 133 શૌચાલયોનું કામ આજે પણ થયું નથી.

તાજેતરમાં મ્યુનિસિપલ બોર્ડમાં સ્થાનિક કોર્પોરેટર બદરૂદ્દીન શેખે આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર પાસે બજેટ નથી તેવો જવાબ અપાય છે તો શું ફક્ત સ્વચ્છતા અભિયાનની જાહેરાત માટે જ કોર્પોરેશન પાસે નાણા છે? જો કે હેલ્થ કમિટીના ચેરમેન દિનેશ દેસાઈએ તો ચાલુ વર્ષના સર્વેક્ષણમાં અમદાવાદ ટોપ ટેનમાં આવશે તેવા બણગા ફૂંક્યા હતા.