અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન માટે ઊમટ્યો માનવ મહેરામણ

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહેલા ફોટોમાં જોઈ શકાય છે કે સામાન્ય લોકોની લાંબી લાઇનો મંદિરની બહાર લાગી છે. ઉત્તર પ્રદેશ પોલીસના જવાનોને સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે તહેનાત કરવામાં આવ્યા છે.

રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ એકત્ર થઈ છે. એને કારણે શ્રદ્ધાળુઓને રામ મંદિર પ્રવેશદ્વાર પર અટકાવી દીધા છે. ગર્ભગૃહની અંદર ભક્તોની ભારે ભીડને પગલે લોકોને અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે ભક્તોના ધસારાને જોતાં રામ પથ પર વાહનોની આવ-જા પર બંધ કરી દેવામાં આવી છે. લોકોને માત્ર પગપાળા ચાલવાની મંજૂરી છે.

મંગળવારે સવારથી જ રામ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ એકત્ર થવા લાગી હતી. કેટલાયક લોકો રાતથી જ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા. અયોધ્યામાં દર્શન માટે અલગ-અલગ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. લોકો ભગવા ઝંડા સાથે પ્રવેશ કરી રહ્યા છે.

રામ મંદિર પ્રાંગણમાં આવેલા શ્રદ્ધાળુઓને અટકાવવા માટે દોરી લગાવવામાં આવી છે, જેથી ભક્તોને રામલલ્લાના દર્શન માટે મોકલી શકાય છે. જોકે તેમ છતાં પોલીસ માટે ભીડને કાબૂમાં કરવી મુશ્કેલ થઈ રહી છે. પોલીસ અને વહીવટ તંત્રએ –બંનેએ લોકોને અરજ કરી છે કે મંદિરમાં દર્શન માટે ધક્કામુક્કી ના કરો. આવનારા સમયમાં અહીં લાખ્ખો લોકો આવવાના છે, એવામાં સુરક્ષા વ્યવસ્થાને કડક કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.