નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની આજે 100મી આવૃત્તિમાં દેશની જનતાને સંબોધન કર્યું. એમણે કહ્યું કે, ‘2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ મારે દિલ્હી આવવાનું થયું તે પછી મને કંઈક ખાલીપો જેવું લાગતું હતું, પરંતુ ‘મન કી બાત’ કાર્યક્રમે તે ખાલીપો દૂર કર્યો. આ કાર્યક્રમ મારે મન કરોડો ભારતીયો પ્રત્યે લાગણીનું પ્રદર્શન રહ્યો છે, જેણે મને ક્યારેય જનતાથી દૂર થવા દીધો નથી.’
મોદીએ પોતાના આ કાર્યક્રમને એમના જીવનમાં આસ્થા અને આધ્યાત્મિક્તાની એક સફર સમાન ગણાવ્યો છે. એમણે કહ્યું કે, ‘આ કાર્યક્રમ એક ઉત્સવ સમાન બની ગયો છે જે ભારત અને તેની જનતાની સકારાત્મક્તાની ઉજવણી કરે છે. 100 એપિસોડ નિમિત્તે મને શ્રોતાઓ તરફથી હજારો પત્રો મળ્યા છે અને તેને કારણે હું લાગણીથી ગદ્દગદ્દ થઈ ગયો છું.’