ચંડીગઢઃ પંજાબમાં પ્રધાનોના શપથ લીધા પછી ભગવંત માન કેબિનેટની પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં 25,000 નવી સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાંથી 10,000 નોકરીઓ પોલીસ વિભાગમાં હશે, બાકીની 15,000 નોકરીઓ અન્ય વિભાગમાં હશે. આ નોકરીઓ એક મહિનાની અંદર કાઢવામાં આવશે. માન સરકારો ચૂંટણીપ્રચાર દરમ્યાન પંજાબના યુવાઓને નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું.
માન પ્રધાનમંડળમાં 10 નવા ચહેરા સહિત કેબિનેટપ્રધાન સામેલ કરવામાં આવ્યા હતા. હજી ત્રણ દિવસ પહેલાં ભગવંત માને શહીદ ભગત સિંહના ગામમાં મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ગવર્નર બનવારી લાલ પુરોહિતે ચંડીગઢના પંજાબ ભવનમાં પ્રધાનોના પદ અને ગોપનીયતાના શપથ અપાવડાવ્યા હતા. આ 10 પ્રધાનોમાં આઠ પહેલી વાર વિધાનસભ્ય બન્યા હતા. આ બધાએ પંજાબી ભાષામાં શપથ લીધા હતા. હરપાલ સિંહ ચિમા અને ગુરમિત સિંહ મીત હેયરને છોડીને આઠ અન્ય પહેલી વાર વિધાનસભ્ય બન્યા હતા. કેબિનેટમાં એકમાત્ર મહિલા અને મલોટથી વિધાનસભ્ય ડો. બ.બલજિત કૌરે શપથ લીધા હતા.
એ પછી જંડિયાલાથી હરભજન સિંહ, માનસાથી ડો. વિજય સિંગલા, ભોઆથી લાલ ચંદ, બરનાલાથી ગુરમિત સિંહ મિત હેયર, અજનાલાથી કુલદીપ સિંહ ધાલીવાલ, પટ્ટી લાલજિત સિંહ ભુલ્લર, હોશિયારપુરથી બ્રહ્મ શંકર જિંપા અને આનંદપુર સાહિબથી હરજોત સિંહ બૈંસે શપથ લીધા હતા.
પંજાબની કેબિનેટમાં મુખ્ય પ્રધાન સહિત 18 પદ છે. હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન આ પ્રસંગે હાજર રહ્યા હતા.