યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન ડિફોલ્ટનું જોખમ

નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં પહેલાં 20,000 ભારતીય વિદ્યાર્થીઓને લાવવાનું ટેન્શન હતું. આ યુદ્ધ હજી ચાલી રહ્યું છે અને યુદ્ધનો 24મો દિવસ છે. જોકે યુદ્ધના પ્રારંભે ભારતીય વિદ્યાર્થીઓને ભારત લાવવાની ચિંતા હતી, પણ હવે તેમને દેશમાં પરત લાવ્યા પછી કેરિયરની ચિંતા સતાવી રહી છે. હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એવી છે કે યુક્રેનમાં મેડિકલનો કોર્સ કરવા માટે લાખો રૂપિયાની લોન લઈ રાખી છે. હવે આ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થશે તો લોન ચૂકવવામાં મુશ્કેલીઓ પડશે. લોકસભામાં પણ આ મુદ્દો ઊભો થઈ ચૂક્યો છે. કેટલાક સંસદસભ્યોએ તો લોન માફ કરવાની માગ પણ કરી છે.

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે યુક્રેનમાં અભ્યાસ કરતા 20,000 વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લઈ રાખી છે અને હવે એ વ્યાજ અથવા લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવામાં વડા પ્રધાન મોદીએ આ વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોનને રિસ્ટ્રક્ચર અથવા માફ કરવી જોઈએ.

યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની લોનની રકમ વધુ હોઈ શકે છે, કેમ કે અહીં છ વર્ષના MBBS કોર્સમાં રૂ. 20-25 લાખ ખર્ચ આવે છે. આવામાં વિદ્યાર્થીઓ ઉપર રૂ. પાંચ લાખથી વધુનો બોજ છે. હવે જો તેમણે મોટી લોન લીધી હશે, તો લોન જમીન કે ઘર ગિરવી રાખીને લીધી હશે. જો વિદ્યાર્થી લોન નહીં ચૂકવી શકે તો કોલેટરલની સ્થિતિમાં ભાર નુકસાન ભોગવવું પડશે. આ સિવાય ક્રેડિટ સ્કોર પણ ખરાબ થશે. જેથી આવનારા સમયમાં તેમને લોન મળવામાં પણ મુશ્કેલીઓ ઊભી થશે.