અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે. આ પહેલાં ભારતીય ટીમની જર્સી પર રાજકારણ શરૂ થયું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે ભાજપને નિશાન બનાવતાં કહ્યું હતું કે ભારતીય ટીમ સહિત વિવિધ સંસ્થાઓને ભગવાકરણ કરવાના પ્રયાસ કરવાના આરોપ લગાવ્યા હતા. આ નિવેદન પર ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે.
કોલકાતાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તે (ભાજપ) હવે દેશને બધું ભગવા રંગમાં રગવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમને આપણા ભારતીય ખેલાડી ઉપર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપ જીતશે. પરંતુ પહેલા પ્રેક્ટિસ ખેલાડીઓ બ્લુ કલરની જર્સી પહેરતા જે હવે ભગવા કલરની થઇ ગઈ છે. મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે. આ સિવાય દરેક વસ્તુઓનાં નામ પણ નમો રાખવામાં આવી રહ્યા છે.
આ નિવેદન પછી ભાજપની પ્રતિક્રિયા સામે આવી હતી. ભાજપના નેતા શિશિર બજોરિયાએ કહ્યું હતું કે અમે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સારી બાબતોને આવકારીએ છીએ. જ્યારે તેઓ કહી રહ્યા છે કે ભારતીય ટીમનું ભગવાકારણ થઇ રહ્યું છે, કારણ કે તેઓ પ્રેક્ટિસ દરમિયાન કેસરી કલરની જર્સી પહેરે છે તો હું પૂછવા માગીશ કે ત્રિરંગા વિશે શું જ્યાં કેસરી કલર ટોચ પર છે? આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સૂર્યના પ્રથમ કિરણનો રંગ કેવો હોય છે? આ રીતે તેમણે મમતા પર પલટવાર કર્યો હતો.