MP ચૂંટણીઃ કોંગ્રેસનું ‘કમલ’ ખીલશે કે ભાજપનો શિવ-રાજ કરશે?

નવી દિલ્હીઃ મોદીની ગેરન્ટી કે રાહુલની મોહબ્બતની દુકાન? મધ્ય પ્રદેશની જનતા કઈ દુકાન અને કઈ ગેરન્ટીવાળી પ્રોડક્ટ લે છે, એના માટેની બધી પ્રક્રિયા થઈ ગઈ છે. મધ્ય પ્રદેશની ચૂંટણીની 230 વિધાનસભાની બેઠકો પર મત પડી ચૂક્યા છે. ચૂંટણી પંચ અનુસાર રાજ્યમાં 76.22 ટકા મતદાન થયું છે. મધ્ય પ્રદેશના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે.

આમ તો રાજ્યની બધી બેઠકો કોંગ્રેસ- ભાજપ માટે મહત્ત્વની છે, પણ એમાં છ સીટો પર લોકોની નજર ચોંટેલી છે.આ સીટો છે- છીંદવાડા, દિમની, ચુરહટ, દતિયા, બુઢની અને ઇન્દોર-1.

વર્ષ 2018માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં 230 બેઠકો પર 75.6 ટકા મતદાન થયું હતું. ત્યારે કોંગ્રેસને 114 સીટો અને ભાજપને 109 સીટો મળી હતી. ત્યાર્ ભાજપને કોંગ્રેસ કરતાં 0.1 ટકા વધુ મતો મળ્યા હતા, પરંતુ સરકાર કોંગ્રેસે બનાવી હતી. ભાજપને 41 ટકા અને કોંગ્રેસને 40.9 ટકા મતો મળ્યા હતા.

વર્ષ 2013માં ચૂંટણીમાં ભાજપને 165 સીટો મળી હતી, જ્યારે કોંગ્રેસની સીટો 71થી ઘટીને 58એ પહોંચી હતી. ત્યારે ભાજપને 44.9 ટકા મતો મળ્યા હતા, જ્યાર કોંગ્રેસને 36.4 ટકા મત મળ્યા હતા. વર્ષ 2003થી 2018 સુધી માત્ર એક વાર સત્તા પરિવર્તન થયું છે. એ વખતે 75 ટકાથી વધુ મતદાન થયું હતું. આ વખતે પણ મતદાન વધુ થયું છે. તો શું ભાજપની વિરુદ્ધ સત્તાવિરોધી લહેરનું આ પરિણામ છે. એ તો હવે ત્રીજી ડિસેમ્બરે જ માલૂમ પડશે.