નવી દિલ્હીઃ આ કિસ્સો રાજકારણ, કોર્પોરેટ જગત અને કોર્ટ- એમ કોકટેલ છે. મહુઆ મોઇત્રા માટે મુસીબતો બેટેલિયનમાં આવી છે. આમે મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપ ખોટા કે સાચા- એ વાત તો થ્રિલ પેદા કરે છે. વડા પ્રધાન મોદી અને અબજોપતિ અદાણીના સંબંધોમાં કૌભાંડ સાબિત કરવાના પ્રયાસ મહુઆ મોઇત્રા કરી રહ્યાં હતાં. કંઈક એવું થઈ રહ્યું છે મહુઆને સ્પષ્ટતા કરવી પડી રહી છે. બીજી બાજુ TMCનાં ચીફ મમતા બેનરજીનું મૌન અકળાવનારું છે.
હવે આ મામલે CEO દર્શન હીરાનંદાની ખુદ સરકારી સાક્ષી બની ગયા છે. હીરાનંદાની ગ્રુપના CEO દર્શન હીરાનંદાનીએ સોગંદનામામાં કહ્યું છે કે અદાણી ગ્રુપ વિશે સંસદમાં સવાલ ઉઠાવવા માટે તેમણે TMC સાસંદ મહુઆના સંસદના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. તેમણે અદાણી પર નિશાન સાધવા મોઇત્રાના સંસદીય લોગ-ઇનનો ઉપયોગ કર્યો હતો. વાસ્તવમાં પાસવર્ડ અને લોગ-ઇનનો ઉપયોગ કોઈ અન્યએ કર્યો છે તો એ મામલો ગંભીર થઈ જશે. હીરાનંદાનીએ સોગંદનામામાં એ પણ દાવો કર્યો છે કે તેમણે TMC સાંસદને લક્ઝરી ચીજવસ્તુઓ, બંગલાનું રિનોવેશન, પ્રવાસ ખર્ચ કરવામાં અનેક વાર મદદ કરી છે. હવે આ પ્રકારના દાવા ખોટા ઠરશે તો દર્શન ફસાઈ શકે છે અને આ આરોપ સાબિત થશે તો મહુઆની મુશ્કેલીઓમાં વધારો થશે. તેમનું સંસદનું સભ્યપદ પણ જઈ શકે છે.
બીજી બાજુ, TMCનાં વડા મમતા બેનરજી સહિત કોઈ નેતા આ મુદ્દે મગનું નામ મરી નથી પાડી રહ્યા. મમતા દીદીનું મૌન પણ આ મુદ્દે અકળ છે. આ ઉપરાંત મહુઆના વકીલે હાઇકોર્ટેમાં માનહાનિ કેસની દાખલ કરેલી અરજીમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે અને આ કેસ લડવાની ઘસીને ના પાડી દીધી છે.