‘સમૃદ્ધિ માર્ગ’ પરના અકસ્માતના 24 મૃતકોનાં બુલઢાણામાં કરાયા સામુહિક અંતિમસંસ્કાર

બુલઢાણા (મહારાષ્ટ્ર): નાગપુર-મુંબઈ વચ્ચે હજી તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા ‘સમૃદ્ધિ એક્સપ્રેસવે’ પર ગઈ કાલે પૂર્વ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ભયાનક ગમખ્વાર દુર્ઘટનામાં એક ખાનગી લક્ઝરી બસ રસ્તા પર પલટી ખાઈને આગમાં લપેટાઈ જતાં માર્યા ગયેલા 25માંના 24 પ્રવાસીઓનાં આજે બુલઢાણા શહેરમાં સામુહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એક મૃતકની દફનવિધિ કરવાની હોવાથી મૃતદેહ પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો.

ભીષણ અકસ્માત શનિવારે મધરાત બાદ લગભગ દોઢ વાગ્યે થયો હતો. મોટા ભાગના મૃતકોનાં શરીર આગમાં ભડથૂં થઈ ગયા હતા અને તે ઓળખી શકાય એમ નહોતા. તેથી મૃતદેહોની ડીએનએ એનાલિસિસ કરવાને બદલે એ તમામનાં અંતિમસંસ્કાર સામુહિક રીતે કરવામાં આવે એ માટે તેમના પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા.

ડીએનએ ટેસ્ટિંગ લાંબી પ્રક્રિયા હોય છે જેમાં મૃતકની ઓળખ નક્કી કરવામાં ઘણા દિવસો લાગી જાય છે.

24 મૃતદેહોનાં સામુહિક અંતિમસંસ્કાર આજે બુલઢાણા શહેરમાં વૈંકુઠ ધામ હિન્દુ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજન તથા મૃતકોનાં સગાંસંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઈ બેસતાં બસ માર્ગ પરના ડિવાઈડર સાથે અથડાઈને ઊંધી વળી ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. મૃત્યુ પામેલાઓમાં 11 પુરુષ અને 14 મહિલાનો સમાવેશ થાય છે. 10 મૃતક વર્ધા જિલ્લાના, સાત પુણેના, ચાર નાગપુરના, બે યવતમાલ અને બે વાશીમ જિલ્લાના હતા. બસના ડ્રાઈવર અને ક્લીનર સહિત આઠ જણ અકસ્માતમાં બચી ગયા છે.

બસના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસનું પ્રાથમિક રીતે એવું માનવું છે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું અને તેને કારણે એ સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેઠો હતો.