કમલનાથનું સંકટ ટળ્યું? બીજેપી ધારાસભ્યએ આપ્યા એંધાણ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પરનું સંકટ ધીમું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે, રાજ્યમાં કોંગ્રેસ સરકાર પાસે પૂર્ણ બહુમત છે અને કોઈ મુશ્કેલી નથી. મૈહર બેઠકથી ભાજપના ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ ત્રણ દિવસની અંદર સીએમ કમલનાથ સાથે ત્રીજી વખતની મુલાકાત પછી આ નિવેદન આપ્યું છે.

નારાયણ ત્રિપાઠીએ રવિવારે કમલનાથના સરકારી નિવાસ સ્થાને મુલાકાત કરી. નારાયણએ તેમની પાર્ટી ભાજપથી અસંતુષ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, મુલાકાત પછી તેમણે સ્પષ્ટ કહ્યું કે, તે મૈહરને નવો જિલ્લો બનાવવાની માગને લઈને સીએમ કમલનાથને મળવા ગયા હતા. આ મુલાકાત પછી ત્રિપાઠીએ કહ્યું કે, કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર પૂર્ણ બહુમતમાં છે. શું તમને નથી દેખાઈ રહ્યું કે, સરકાર બહુમતમાં છે કે નહીં. સરકાર સંપૂર્ણ રીતે બહુમતમાં છે.

મહત્વનું છે કે, નારાયણ ત્રિપાઠી આ પહેલા પણ એક સંશોધન પ્રસ્તાવને લઈને કમલનાથ સરકારનું સમર્થન કરી ચૂક્યા છે. અને તે અવારનવાર કમલનાથના નિર્ણયોના વખાણ કરતા જોવા મળે છે. ત્રિપાઠીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે, સરકાર બજેટ સત્ર પહેલા મેહરને અલગ જિલ્લો બનાવવાની માગ પર કોઈ નિર્ણય લે.

મહત્વનું છે કે, રાજકીય ઉથલ-પાથલ વચ્ચે છેલ્લા બે દિવસ કમલનાથ સરકાર માટે રાહત આપતા રહ્યા. શનિવારે અપક્ષ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ શેરા બેંગ્લુરુંથી પરત આવ્યા અને રવિવારે કોંગ્રેસના ધારાસભ્ય બિસાહૂ લાલ સિંહ પણ ભોપાલ પહોંચી ગયા. બિસાહૂએ કોંગ્રેસની સાથે મતભેદ હોવાની વાતને નકારી કાઢતા કમલનાથને પોતાનું સમર્થન આપવાની વાત કહી છે.