લોકસભા સેશનનો પ્રારંભઃ મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

નવી દિલ્હીઃ આજથી 18મી લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. વડા પ્રધાન મોદીએ સાંસદ તરીકે શપથ લઈ લીધા બાદ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે રાધા મોહન સિંહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફગ્ગન સિંહ, ગૃહમંત્રી અમિત શાહને શપથ અપાવ્યા હતા. તેમના પછી નવા સાંસદોને શપથ અપાવવામાં આવ્યા હતા.

લોકસભા સેશનના પ્રારંભે PM મોદીએ સંસદમાં મિડિયાને સંબોધિત કરતાં બધા સાંસદોનું સ્વાગત કર્યું હતું. તેમણે સંસદના નવા ભવનમાં શપથ સમારોહનો ઉલ્લેખ કરતાં ઇમર્જન્સીની તારીખ પર બોલતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

વડા પ્રધાને ઇમર્જન્સીની તારીખનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આવતી કાલે 25 જૂન છે. 25 જૂને ભારતીય લોકતંત્ર પર લાગેલા એ કલંકને 50 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. દેશની નવી પેઢી ક્યારેય નહીં ભૂલે કે ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે નકારવામાં આવ્યું હતું. બંધારણના દરેક ભાગના લીરેલીરા કરવામાં આવ્યા હતા. દેશને જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું. લોકતંત્રને પૂરી રીતે દબાવી દેવામાં આવ્યું હતું. બંધારણની સુરક્ષા કરતાં ભારતના લોકતંત્રની, લોકતાંત્રિક પરંપરાઓની સુરક્ષા કરતાં દેશવાસી સંકલ્પ લેશે કે ભારતમાં ફરીથી કોઈ આવું કરવાની હિંમત ના કરી શકે, જે 50 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. આપણે એક જીવંત લોકતંત્રનો સંકલ્પ લઈશું. આપણે બંધારણના નિર્દેશો અનુસાર સામાન્ય માનવીનાં સપનાંને પૂરાં કરવાનો સંકલ્પ લઈશું.

આ સત્ર અનેક રીતે ઘણું ખાસ બનવાનું છે. આ સાથે જ સ્પીકરની પણ ચૂંટણી થશે. આ દરમિયાન 27 જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદનાં બંને ગૃહમાં સંયુક્ત બેઠક સંબોધિત કરશે. ત્યાર પછી રાષ્ટ્રપતિના અભિભાષણ પછી 28 જૂને ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે અને 2 કે 3 જુલાઈએ વડા પ્રધાન મોદી તેનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી શરૂ થઈને ત્રીજી જુલાઈ સુધી ચાલશે. આ દસ દિવસમાં કુલ આઠ બેઠક થશે.