દેહરાદૂનઃ ઉત્તરાખંડ રાજ્યમાં અનેક રેલવે સ્ટેશનોને ફૂંકી મારવાની ધમકી આપતો એક ઈમેલ રુડકી રેલવે સ્ટેશનના સુપ્રીન્ટેન્ડન્ટને મળ્યો છે. એએનઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, આ ઈમેલ-પત્ર ગઈ 7 મેએ સાંજે મળ્યો હતો. એમાં ધમકી આપવામાં આવી છે કે ઉત્તરાખંડમાં 6 રેલવે સ્ટેશનો – લકસર, નજીબાબાદ, દેહરાદૂન, રુડકી, ઋષિકેશ અને હરિદ્વારને બોમ્બ વડે ફૂંકી મારવામાં આવશે. આને પગલે સુરક્ષા તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે.
પત્રમાં એવી ચેતવણી અપાઈ છે કે 21 મેએ ઉક્ત છ રેલવે સ્ટેશનો ઉપરાંત રાજ્યમાંના ધાર્મિક સ્થળોને પણ બોમ્બ વિસ્ફોટ વડે ફૂંકી મારવામાં આવશે. પત્ર મોકલનારે પોતાને જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનનો એરિયા કમાન્ડર હોવાનો દાવો કર્યો છે. ધમકીનો પત્ર સલીમ અન્સારીના નામે મોકલવામાં આવ્યો છે. ઉત્તરાખંડ રાજ્યના પોલીસ વડા અશોકકુમારે કહ્યું છે કે માનસિક રીતે અસ્વસ્થ એક વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી આવા ધમકીભર્યા પત્રો મોકલે છે, પરંતુ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.