નવી દિલ્હીઃ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટથી ટિકિટ ખરીદવાવાળા યાત્રીઓને ખરાઈની પ્રક્રિયાથી પસાર થવું પડશે. તેમણે ઈમેઇલ અને મોબાઇલ નંબરની ખરાઈ (વેરિફેકેશન) કરાવવાની રહેશે. એ પ્રક્રિયા 50થી 60 સેકન્ડમાં પૂરી થશે. એ પછી ઓનલાઇન ટિકિટ લઈ શકાશે. જોકે ખરાઈ એ યાત્રીઓએ કરાવવાની રહેશે, જેમણે કોરોના સંક્રમણને લીધે લાંબા સમયથી IRCTCના પોર્ટલથી ટિકિટ નથી ખરીદી. નિયમિત ટિકિટ બુક કરાવતા યાત્રીઓએ એ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. દેશમાં કોરોના સંક્રમણ ઓછું થવાની સાથે આશરે 75 ટકાથી 90 ટકા ટ્રેનો પુનઃ શરૂ થઈ છે. IRCTCના દિલ્હી ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેર અને એના પહેલાંથી પોર્ટલ પર જે એકાઉન્ટ નિષ્ક્રિય છે. એની ઓળખની ખાતરી કરવા માટે ખરાઈ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. એ પારદર્શિતા માટે જરૂરી છે. એનો બીજો કોઈ હેતુ નથી. એ બહુ સરળ પ્રક્રિયા છે. એ રેલવે અને યાત્રી- બંનેના હિતમાં છે.
IRCTC પોર્ટલ પર લોગ-ઇન કર્યા પછી વેરિફિકેશન વિન્ડો ખૂલે છે. એના પર ભૂતકાળમાં ઉપયોગમાં લીધેલા ઈમેઇલ અને મોબાઇલની માહિતી હતી. ડાબી બાજુ એડિટ અને જમણી બાજુ ખરાઈનો વિકલ્પ હોય છે. એડિટ વિકલ્પની પસંદગી કરીને મોબાઇલ નંબર અને ઇમેઇલમાં બદલાવ કરી શકાય છે. ખરાઈ વિકલ્પનો પસંદ કરવાથી OTP આવે છે. OTP યોગ્ય થવા પર મોબાઇલ નંબર વેરિફાઈ થઈ જાય છે. એ જ રીતે ઈમેઇલની ખરાઈ કરવા માટે ફરી ખરાઈનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઇમેઇલ પર મળેલા OTPના માધ્યમથી એને વેરિફાઇ કરી શકાશે.