પાંચ પૈસાના સિક્કામાં બિરિયાનીની ઓફર દુકાનમાલિકને ભારે પડી

ચેન્નઈઃ ડિજિટલ પેમેન્ટ અને રોકડ લેવડદેવડના જમાનામાં ભાગ્યે જ કોઈ એવું વિચારી શકે કે લોકોની પાસે પાંચ પૈસાનો સિક્કો હશે. આવું વિચારીને એક બિરિયાની સ્ટોલના માલિકે તેની દુકાનના પ્રમોશન માટે એક શરતની સાથે નવી ઓફર મૂકી કે જેકોઈની પાસે પાંચ પૈસાનો સિક્કો હશે, તેને તે મફતમાં બિરિયાની આપવામાં આવશે, પણ આ ઓફર તેના માટે ભારે પડી ગઈ, કેમ કે આગામા દિવસે પાંચ પૈસાના સિક્કા સાથે 300થી વધુ લોકોની ભીડ જમા થઈ ગઈ. સ્થિતિ એટલી બેકાબૂ થઈ કે દુકાનમાલિકે શટર પાડી પોલીસ બોલાવવી પડી. આને કહેવાય આવ પાણા પગ પર પડ.આ મામલો તામિલનાડુમાં મદુરાઇનો છે, જ્યાં એક વ્યક્તિએ સુકન્યા બિરિયાની સ્ટોલ શરૂ કર્યો હતો. દુકાનમાલિકે સ્ટોલના પ્રમોશન માટે સમજીવિચારીને એક નવી ઓફર મૂકી, પણ એને એ વાતનો અંદાજ નહીં હોય કે એ ઘોષણાથી મોટી બબાલ ઊભી થઈ જશે અને એને લેવાના દેવા પડી જશે.

એની આ ઓફર શહેરમાં પ્રસરતાં આગામી દિવસે બિરિયાની સ્ટોલમાં મફત બિરિયાની માટે સેંકડો લોકોની ભીડ પાંચ પૈસાનો સિક્કો હાથમાં લઈને જમા થઈ. આશરે 300થી વધુ લોકો મફત બિરિયાની ખાવા માટે દુકાનની બહાર એકઠા થયા. મફત બિરિયાની ખાવાના ચક્કરમાં લોકો કોરોના વાઇરસના નિયમોનું ઉલ્લંઘન કરતાં પાંચ પૈસાનો સિક્કો લઈને લાઇનમાં ઊભા રહી ગયા.
દુકાન પાસે મફત બિરિયાની એકત્ર થયેલા લોકો હંગામો કરતાં માલિકે પોલીસ બોલાવવી પડી હતી. એ પછી પોલીસે આવીને લોકોને સંભાળ્યા અને ભીડને કોરોનાના નિયમોનું પાલન કરવાના આદેશ આપ્યા. પણ કેટલાક લોકોની એ પણ ફરિયાદ હજી કે પાંચ પૈસા આપ્યા છતાં તેમને બિરિયાની નહીં મળી.