બેંગલુરુઃ અહીં ગઈ કાલે બનેલા એક હિચકારા, આઘાતજનક બનાવમાં 37 વર્ષની એક વરિષ્ઠ મહિલા સરકારી અધિકારીની તેમનાં અત્રેનાં નિવાસસ્થાને છરો ભોંકીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પ્રતિમા કે.એસ. કર્ણાટક સરકારના ખાણ અને ભૂસ્તર વિભાગમાં ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે કામ કરતાં હતાં. તેઓ ડોડાકલ્લાસાન્ડ્રા સુબ્રમણ્યમપુરા વિસ્તારમાં રહેતાં હતાં. પોલીસના મતે આ હત્યા સુનિયોજીત યોજના હોય એવું લાગે છે. એમનો મૃતદેહ ઘરમાં જમીન પર પડેલો મળી આવ્યો હતો. એમનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું. પડોશીઓએ આજે સવારે 8.30 વાગ્યે પોલીસને આ બનાવની જાણ કરી હતી.
પોલીસનું કહેવું છે કે પ્રતિમા શનિવારે સાંજે 6 વાગ્યા સુધી ઓફિસમાં હતાં અને રાતે 8 વાગ્યે એમનાં ઘેર પાછાં ફર્યાં હતાં. એમનાં કાર ડ્રાઈવરે એમને એમનાં ઘેર ડ્રોપ કર્યા હતા. હત્યા શનિવારે રાતે 8 અને રવિવારે સવારે 8 વાગ્યાની વચ્ચે થઈ હોવી જોઈએ.
અહેવાલો અનુસાર, હુમલો કરાયો ત્યારે મહિલા અધિકારીનાં પતિ ઘરમાં નહોતાં. તેઓ શિવામોગા જિલ્લાના તીર્થહલ્લીમાં હતાં. અજાણ્યા હુમલાખોરોએ ઘરમાં ઘૂસી મહિલા અધિકારીને છરો ભોંક્યો હતો અને એમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ હત્યામાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ સંડોવાયા હોય એવું મનાય છે. એમના જ ઓર્ડરથી મહિલા અધિકારીની હત્યા કરવામાં આવી હોવી જોઈએ. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. ઘરમાંથી કોઈ કિંમતી ચીજવસ્તુઓ ચોરાઈ નથી.
પ્રતિમા છેલ્લા આઠ વર્ષથી ભાડાના ઘરમાં રહેતાં હતાં. એમનાં નિવાસસ્થાને કોઈ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી. પોલીસે પ્રતિમાનાં ઘરનોકર, એમનાં ડ્રાઈવર તથા પડોશીઓનાં નિવેદનો નોંધ્યા છે.