ભારતીય લશ્કરી મથકના હુમલાખોર આતંકવાદી શાહિદનું પાકિસ્તાનમાં અપહરણ

નવી દિલ્હીઃ 2018માં જમ્મુ પ્રાંતમાં સુંજવાં આર્મી કેમ્પ પર પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલાના સૂત્રધારોમાંના એક, ખ્વાજા શાહિદ ઉર્ફે મિયા મુજાહિદનું પાકિસ્તાનમાં અપહરણ કરવામાં આવ્યું છે. આ સમાચાર ઈન્ટરનેટ પર વાંચવા મળ્યા છે અને આને પગલે ભારતમાં પણ સુરક્ષા સત્તાધિશો સતર્ક બની ગયા છે. ખ્વાજા શાહિદ અન્ય આતંકવાદી સંગઠન લશ્કર-એ-તાઈબાનો ‘કમાન્ડર’ છે.

ખ્વાજા શાહિદ ઉર્ફે મિયા મુજાહિદ મૂળ પાકિસ્તાનના તાબા હેઠળના જમ્મુ-કશ્મીર (PoK)ના નીલમ ખીણપ્રદેશનો વતની છે. તેણે 2018માં ભારતના જમ્મુ પ્રાંતમાં સુંજવાં લશ્કરી મથક પર ભયાનક હુમલાની યોજના ઘડી હતી. તેના અપહરણને પગલે પાકિસ્તાનમાં પણ સત્તાવાળાઓ હાઈ એલર્ટ પર આવી ગયા છે, કારણ કે તેનું અપહરણ પાકિસ્તાનમાં ચિંતા વધારનારી ઘટના છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને પાકિસ્તાની સેના આતંકવાદીને શોધી રહી છે.

2018ની 10 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સુંજવાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. એમાં મોટી જાનહાનિ થઈ હતી. આતંકવાદીઓ એકે-47 રાઈફલો અને ગ્રેનેડ સાથે ત્રાટક્યા હતા. એમણે ભારતના છ સૈનિકો અને એક નાગરિકને મારી નાખ્યા હતા. ભારતીય સૈનિકોએ આપેલા વળતા જવાબમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓના હુમલામાં 14 સૈનિકો, પાંચ મહિલા અને બાળકોને ઈજા થઈ હતી.