મોદી સરકારના પ્રધાન-પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ

નવી દિલ્હીઃ ગયા વર્ષની ત્રીજી ઓક્ટોબરે, ચાર ખેડૂતો, એક પત્રકાર સહિત આઠ જણનો ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી વિસ્તારમાં ભોગ લેનાર હિંસાના બનાવના કેસમાં આરોપી આશિષ મિશ્રાને જામીન મંજૂર કરવાના અલાહાબાદ હાઈકોર્ટના ગઈ 10 ફેબ્રુઆરીના ચુકાદાને સુપ્રીમ કોર્ટે આજે રદ કર્યો છે અને મિશ્રાને એક અઠવાડિયાની અંદર શરણે આવી જવાનો આદેશ આપ્યો છે. આશિષ મિશ્રા કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અજય મિશ્રાનો પુત્ર છે.

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં લખીમપુર ખેરીમાં ખેડૂતો દેખાવો કરી રહ્યા હતા ત્યારે એક કાર એમની પર ફરી વળી હતી. ચાર ખેડૂતોને કાર નીચે કચડી નાખવામાં આવ્યા હતા. તેને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ કારના ડ્રાઈવર અને ભાજપના બે કાર્યકર્તાને રહેંસી નાખ્યા હતા. હિંસામાં એક પત્રકારનું પણ મરણ નિપજ્યું હતું.

દેશના ચીફ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે આશિષને જામીન મંજૂર કરતો ચુકાદો રદબાતલ કરી દીધો છે. ન્યાયાધીશોએ કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટનો ઓર્ડર ઉચિત નથી. હાઈકોર્ટમાં આશિષ મિશ્રાની જામીન અરજી પર વિચારણા કરતી વખતે પીડિત વ્યક્તિઓને સાંભળવામાં આવી નહોતી. તેથી સુપ્રીમ કોર્ટે આ મામલે નવેસરથી સુનાવણી કરવાનો અલાહાબાદ હાઈકોર્ટને આદેશ આપ્યો છે.