દિલ્હીમાં ડ્રોનથી નજર; ઉ.પ્ર.માં પોલીસોની રજા રદ

નવી દિલ્હી/લખનઉઃ ગયા શનિવારે હનુમાન જયંતીના દિવસે નવી દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાના બનાવના સંબંધમાં પોલીસે સરઘસના આયોજકો સામે એફઆઈઆર નોંધી છે અને વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. પોલીસે કહ્યું છે કે હિન્દુ સંગઠનોએ પોલીસ પાસેથી પરવાનગી મેળવ્યા વગર હનુમાન જયંતી સરઘસ કાઢ્યું હતું. સરઘસ નીકળ્યું તે પછી થયેલી હિંસામાં આઠ પોલીસો અને એક નાગરિક સહિત 9 જણ ઘાયલ થયા હતા. પોલીસો પર કથિતપણે ગોળીબાર કરનાર સોનુ નામના એક મુસ્લિમ યુવકની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કુલ 25 જણની ધરપકડ કરી છે જેમાં બે સગીર વયના છોકરા છે. કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતા પ્રેમ શર્મા આરોપી છે. પોલીસે પૂછપરછ કરીને એમને જવા દીધા હતા. પોલીસે 16 એપ્રિલની હિંસાના બનાવોની તપાસ કરવા 14 ટૂકડીઓની રચના કરી છે. હિંસાખોરોને ઓળખી કાઢવા માટે પોલીસતંત્ર 200 જેટલા વિડિયો સ્કેન કરી રહ્યું છે.

દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકારે આદેશ બહાડ પાડીને રાજ્યના તમામ પોલીસ જવાનોની રજા તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે અને 4 મે સુધી રદ કરી દીધી છે. જે જવાનો રજા પર ઉતરી ગયા છે એમને 24 કલાકમાં ફરજ પર હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગામી દિવસોમાં ઈદ સહિત કેટલાક તહેવારો આવી રહ્યા હોવાને કારણે પોલીસ જવાનોની રજા રદ કરતો ઓર્ડર બહાર પાડ્યો છે. એમણે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે તહેવારો વખતે શાંતિ જળવાઈ રહે એ માટે તેઓ ધાર્મિક નેતાઓ તથા સમાજના આગેવાનો સાથે ચર્ચા કરે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]