દેશમાં NDA ગઠબંધનએ નવી સરકાર બનાવી છે. અને નવી સરકારના તમામ મંત્રી સહિત પ્રધાનમંત્રીએ તારીખ 09મી જૂનના શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે આ મોદી 3.0માં ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં મહત્વના ફેરફાર થતા જોવા મળવાના છે. જેને લઈ રાજકીય વિશ્લેષકોએ અટકાળો લગાવવાની શરૂ કરી દીધી છે.
મોદી સરકારે NDAના ગઠબંધન સાથે સરકાર બનાવતાની સાથે પાચ રાજ્યના પ્રદેશ પ્રમુખની ખુરશી ખાલી થઈ ચુકી છે. કેમ કે પાંચ રાજ્યના ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના વર્તમાન પ્રદેશ અધ્યક્ષોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નવા મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. આ સિવાય તમિલનાડુ અને રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષો બદલાવાની શક્યતા પ્રબળ થઈ ગઈ છે કેમ કે તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ આશાઓ અનુસાર પ્રદર્શન કર્યું નથી.
આ પાંચ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બદલવા સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પણ નવી રીતે ચૂંટણી થશે, કેમ કે વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા પણ કેન્દ્રીય મંત્રીમંડળનો ભાગ બની ચૂક્યા છે. તેમનો કાર્યકાળ પણ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. દરમિયાન હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક બાદ જ આ રાજ્યોના પ્રદેશાધ્યક્ષોની પણ નિમણૂક થશે.
ગુજરાતના ભાજપ અધ્યક્ષ અને ચાર વખતના સાંસદ સી આર પાટીલને પણ રાજ્યમાં પાર્ટીના સતત સારા પ્રદર્શનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. આમ તો ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે તેમનો કાર્યકાળ થોડા મહિના પહેલા જ સમાપ્ત થઈ ચૂક્યો છે. તેમને લોકસભા ચૂંટણી સુધી આ પદ પર રહેવાનું કહેવામાં આવ્યું હતું. તો હવે રાજ્યમાં નવા ભાજપના અધ્યક્ષને લઈ અટકરો લગાવવાનું શરૂ થઈ ચૂક્યું છે.